ગરબાના તાલે ઘૂમ્યા વિદેશી રાજદ્વારીઓ અને હાઇ કમિશ્નર્સ
October 03, 2022
— રશિયાના એમ્બેસેડરે કહ્યું- નવરાત્રિ ગુજરાતનો શાનદાર તહેવાર!
— ઓસ્ટ્રેલિયાના એમ્બેસેડરે કહ્યું- ખેલૈયાઓનો ઉત્સાહ જોઇને ખૂબ જ ખુશી અનુભવું છું
— 60 વિદેશી રાજદ્વારીઓએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વડોદરા યુનાઇટેડ વે ખાતે માણ્યા ગુજરાતના ગરબા
ગાંધીનગર: ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરા ખાતે યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારત ખાતેના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ચાલી રહેલા આ નવરાત્રિ મહોત્સવની મજા માણવા માટે છઠ્ઠા નોરતે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને લઇને વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પહોંચ્યા હતા. હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયેલા વિદેશી રાજદ્વારીઓ પણ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા.
છઠ્ઠા નોરતે વડોદરા શહેરના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ ખાતે રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો સર્જ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને વિશ્વ ફલક પર પ્રખ્યાત બનાવ્યા છે. આ જ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. કોવિડ-19 મહામારીના બે કપરાં વર્ષો પછી આ વર્ષે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓએ ગુજરાતના આ વાયબ્રન્ટ તહેવારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
વિદેશી રાજદ્વારીઓના પ્રતિભાવોઃ
ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવુ છુ. આ અદ્ભુત અનુભવ માટે હું દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ.
– બેરી ઓ’ફરેલ (H.E. Mr. Barry O’Farrell), ભારત ખાતેના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર
હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું પણ ખુબ મઝા આવી રહી છે ખુબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે.
– ડેનિસ અલીપોવ (H.E. Mr. Denis Alipov), ભારત ખાતેના રશિયાના એમ્બેસેડર
આજે ગુજરાત આવીને ગુજરાતના લોકોને મળીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું અફઘાનિસ્તાન તરફથી તમામ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરુ છુ.
– ફરીદ મુમુન્દઝય (H.E. Mr. Farid Mamundzay), ભારત ખાતેના અફઘાનિસ્તાનના એમ્બેસેડર
તાન્ઝાનિયા અને ગુજરાત વચ્ચે એક અનોખો સંબંધ છે કારણ કે તાન્ઝાનિયામાં જેટલા પણ ભારતીયો વસે છે તેમાંથી સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તો આ મારા માટે ખુબજ ખાસ અનુભવ છે અમારા દેશમાં વસતા ગુજરાતીઓના આ તહેવારને ખુબ નજીક થી જોવાનો અવસર મળ્યો હું તેના માટે ભારત સરકારની આભારી છુ કે મને આમંત્રીત કરવામાં આવી. મેં પણ અહી આવીને ગરબા કર્યા છે મારા માટે આ ખુબ જ અલગ અનુભવ છે હું અહીં આવીને ખુબ ખુશ છુ.
– અનિસા મબેગા (H.E. Ms. Anisa Mbega), ભારત ખાતેના તાન્ઝાનિયાના હાઇ કમિશ્નર
આ એક ખૂબ જ અદ્ભુત તહેવાર છે. હું ડેનિશ એમ્બેસેડર છું. આજે હું ખૂબ જ ખુશ અને આનંદમાં છું, અને પ્રાર્થના કરું છું કે, આ પ્રકાશ અંધકારને દૂર કરી દે. લોકોને આ રીતે રમતા જોવા એ ખૂબ જ અદ્ભુત છે. આ ખરેખર ગ્રેટ તહેવાર છે અને હું વિશ્વમાં વસતા તમામ ભારતીયોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું.
– ફ્રેડી સ્વેન (H.E. Mr. Freddy Svane), ભારત ખાતેના ડેનિશ એમ્બેસેડર
હું પ્રથમ વખત આ તહેવારમાં હાજરી આપી રહ્યો છું. આ ખરેખર ખૂબ જ અદ્ભુત લાગણી છે. આ ખરા અર્થમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે. મને બહુ જ મજા આવી, મને ખૂબ જ આનંદ થયો.
– ગિલ્બર્ટ શિમાને મંગોલ (H.E. Mr. Gilbert Shimane Mangole), ભારત ખાતેના રિપબ્લિક ઓફ બોટ્સવાનાના હાઇ કમિશ્નર
આ ગરબા ફેસ્ટિવલમાં આવીને હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. એક જ ગ્રાઉન્ડમાં આ રીતે 35,00થી વધુ લોકો ગરબા કરતા હોય એ વાત જ ખૂબ ભવ્ય છે. આ એક અનોખો તહેવાર છે અને તમે ચારેબાજુ ઉત્સાહનો માહોલ જોઇ શકો છો. આવા ભવ્ય આયોજન માટે તમામ આયોજકોને મારા અભિનંદન!
– યાસિલ અલાઇન્સ બુરિલો રિવેરા (H.E. Mrs. Yasiel Alines Burillo Rivera), ભારત ખાતેના રિપબ્લિક ઓફ પનામાના એમ્બેસેડર
ગરબા એ એક અનોખો ડાન્સ છે, એક અનોખી સુંદરતા છે. મેં પહેલા ક્યારેય પણ ગરબા ડાન્સ કર્યો નથી. આજે પહેલીવાર કર્યો છે, અને મને ગ્રાઉન્ડમાં એક સુંદર ટીચર પણ મળી ગયા. મારે આ નૃત્ય શીખવું છે, મેં પ્રયત્ન પણ કર્યો ને મને ખૂબ મજા આવી. આવા સુંદર સેલિબ્રેશન માટે તમને સૌને અભિનંદન!
– કોરોમોટો ગોડોય કાલડ્રોન (H.E. Ms. Coromoto Godoy Calderon), ભારત ખાતેના વેનેઝુએલાના એમ્બેસેડર
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે