2028માં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર હશેઃ આઈએમએફ

નવી દિલ્હીઃ  2021-22ના નાણાકીય વર્ષમાં ભારત થોડા માટે પાંચમું વૈશ્વિક અર્થતંત્ર બનતા રહી ગયું હતું, પરંતુ 2022-23ના અંતે યુકેને પાછળ પાડીને ભારત આ સ્થાન અવશ્ય મેળવી લેશે.

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)ના વૈશ્વિક આર્થિક અંદાજ અનુસાર 2025-26માં ભારતનું અર્થતંત્ર જર્મનીની સમકક્ષ આવીને ચોથા નંબરનું બની જશે. અને 2027-28ના નાણાકીય વર્ષમાં ભારત જાપાનને પણ પાછળ રાખીને ત્રીજા નંબરનું વૈશ્વિક અર્થતંત્ર બનશે.

આઈએમએફના મતે ભારતના નાણા મંત્રાલય દ્વારા 2026-27માં દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડૉલરે પહોંચવાનો અંદાજ રાખવામાં આવ્યો છે પરંતુ ભારત એ ગાળામાં 4.94 ટ્રિલિયન ડૉલર સુધી તો પહોંચી જ જશે, જે પાંચ ટ્રિલિયન ડૉલરની ઘણું નજીક કહેવાય.

ત્યારપછીના વર્ષે અર્થાત 2027-28માં ભારતનું અર્થતંત્ર 5.26 ટ્રિલિયન ડૉલરનું થશે જે જાપાનના 5.17 ટ્રિલિયન ડૉલરને વટાવી જશે. અને તે સાથે એ વર્ષે ભારત ત્રીજા નંબરની વૈશ્વિક આર્થિક મહાસત્તા બનશે તેમ આઈએમએફના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

2021-22માં ભારતીય અર્થતંત્રનું કદ 3.18 ટ્રિલિયન ડૉલર હતું, જેની સામે બ્રિટનનું અર્થતંત્ર 3.19 ટ્રિલિયન ડૉલર હતું. આમ ભારત 10 અબજ ડૉલરથી પાછળ રહી ગયું. પરંતુ હવે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત 3.47 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનશે જ્યારે બ્રિટન 3.2 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર રહેશે, તેમ આઈએમએફનો અંદાજ જણાવે છે.

2026ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર 4.55 ટ્રિલિયન ડૉલરે પહોંચશે જે જર્મનીને સમકક્ષ હશે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રના કદને નહીં પરંતુ પર્ચેસિંગ પાવર પેરિટી (પીપીપી)ને અર્થતંત્રની મજબૂતીનો માપદંડ માને છે. તો આ સંદર્ભમાં આઈએમએફના આંકડા દર્શાવે છે કે, ભારત તો છેલ્લા થોડાં વર્ષથી પીપીપી માપદંડમાં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની ગયું છે અને આ સ્થિતિ 2028 સુધી યથાવત્ રહેશે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો