કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો શશી થરૂરનો આક્ષેપ

નવી દિલ્હીઃ  કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આ ચૂંટણીના એક ઉમેદવાર શશી થરૂરે આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસ પ્રમુખપદ માટે બે દિવસ પહેલાં મતદાન યોજાયું હતું અને આજે સવારે મતગણતરીનો પ્રારંભ થયો હતો, પરંતુ મતગણતરી શરૂ થયા બાદ થરૂરે ઉત્તરપ્રદેશમાં મતદાનમાં ગરબડ થઈ હોવાનો આક્ષેપ કરીને એ અંગેનો પત્ર કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના વડા મધુસૂદન મિસ્ત્રીને લખ્યો હતો.

થરૂરે આક્ષેપ કર્યો કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના જે નેતાઓ-કાર્યકરો હાજર નહોતા તેમના નામે મતદાન થઈ ગયું છે, એટલું જ નહીં પરંતુ મતપેટીઓની હેરાફેરી પણ થઈ છે.

શશી થરૂરના આક્ષેપને પગલે વિવાદ ઊભો થતા ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધીને પત્રકારોએ એ અંગે પ્રશ્ન કર્યા હતા. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં માત્ર કોંગ્રેસ પક્ષની અંદર જ ચૂંટણી થાય છે અને જે કોઈ વિવાદ થયો છે તે અંગેનો નિર્ણય કોંગ્રેસના ચૂંટણી અધિકારી મધુસૂદન મિસ્ત્રી નિર્ણય લેશે.

દરમિયાન, ભાજપે આ અંગે કોંગ્રેસને કટાક્ષ કરીને પ્રમુખપદની ચૂંટણી પ્રક્રિયા સામે પ્રશ્ન કર્યો હતો. ભાજપના નેતા અમિત માલવિયએ લખ્યું કે, શશી થરૂર એક હારેલી વ્યક્તિની જેમ હોબાળો કરી રહ્યા છે. શું તે ખરેખર એવી અપેક્ષા રાખતા હતા કે કોંગ્રેસમાં મુખ્ત અને ન્યાયી ચૂંટણી થશે? તેમણે તો આભાર માનવો જોઇએ કે તેમને બાથરૂમમાં પૂરી દેવામાં ન આવ્યા…ખરાબ સ્થિતિ હજુ આવવાની બાકી છે. આગામી થોડા મહિનામાં તેમની (થરૂરની) હાંસી ઉડાવવામાં આવશે અને તેમને શરમમાં મૂકવામાં આવશે કેમ કે તેમણે ગાંધી પરિવાર સામે બાથ ભીડવાનો પ્રયાસ કર્યો છે.

જોકે, આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફત એકબીજા સાથે વાત કરવામાં આવી રહી છે અને તેના દ્વારા સમજાય છે કે થરૂરે આ પત્ર ગઇકાલે લખ્યો હતો પરંતુ કોંગ્રેસના જ આંતરિક વર્તુળોએ એ પત્ર મીડિયામાં લીક કરી દીધો. પરિણામે થરૂર સહિત તેમના ટેકેદારો તથા અન્ય કોંગ્રેસ કાર્યકરો – નેતાઓ પોતપોતાની નારાજગી સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી રહ્યા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો