ઋષિ સુનકના નામે ભારતમાં લઘુમતી કાર્ડ રમવા માગતા રાજકારણીઓને કેવા જવાબ મળ્યા?

નવી દિલ્હીઃ  બ્રિટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય મૂળના એક નેતા ઋષિ સુનક વડાપ્રધાન તરીકેની જવાબદારી વહન કરવા તૈયારી કરી રહ્યા છે ત્યારે એ મુદ્દે અહીં ભારતમાં ભારે રાજકીય તડાફડી શરૂ થઈ છે. શશી થરુર અને પી. ચિદમ્બરમ્ જેવા કોંગ્રેસના નેતાઓ ઉપરાંત મહેબુબા મુફ્તી જેવા કાશ્મીરી નેતાઓ બ્રિટનમાં બદલાયેલા આ સમીકરણને લઘુમતી-વાદ સાથે જોડીને નિવેદનો કરી રહ્યા છે કે ભારતમાં કોઈ લઘુમતી સમુદાયના રાજકારણીને શા માટે આવો ટોચનો હોદ્દો નથી મળતો?

જોકે કોંગ્રેસ અને પીડીપીના નેતાઓને સોશિયલ મીડિયા ઉપરાંત ભાજપના નેતાઓ તરફથી પણ બરાબર જવાબ આપવામાં આવ્યા છે અને ભારતમાં છેલ્લા 75 વર્ષમાં લઘુમતી સમુદાયમાંથી કેટલા લોકો રાષ્ટ્રપતિથી લઇને ગવર્નર અને મુખ્યપ્રધાનપદ ઉપર આરૂઢ થઈ ચૂક્યા છે એ વિપક્ષી નેતાઓને યાદ કરાવવામાં આવી રહ્યું છે.

બ્રિટિશ વડાપ્રધાનપદ માટે ઋષિ સુનકના નામની જાહેરાત થઈ તે સાથે ગયા અઠવાડિયે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી હારી ગયેલા શશી થરુરે લખ્યું કે, જો આવું થાય તો મને લાગે છે કે બ્રિટન દુનિયામાં કંઈક અસાધારણ કહી શકાય એવું પગલું લેશે અને લઘુમતી સમુદાયના એક વ્યક્તિને સર્વોચ્ચ હોદ્દા પર નિયુક્ત કરશે. થરૂરે પ્રશ્ન કર્યો કે, શું અહીં ભારતમાં આવી થઈ શકે? તો કોંગ્રેસના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે લખ્યું કે, પહેલાં કમલા હેરિસ અને હવે ઋષિ સુનક. અમેરિકા અને યુકેના લોકો બહુમતી સમુદાયના ન હોય એવા નાગરિકોને દેશમાં સર્વોચ્ચ હોદ્દા પર બેસાડે છે. મને લાગે છે કે, ભારતે તથા બહુમતીવાદનું વાદનું રાજકારણ રમતા પક્ષોએ કંઇક શીખવું જોઇએ.

તો કાશ્મીરી નેતા પીડીપીના મહેબુબા મુફ્તિએ લખ્યું, ગૌરવની ક્ષણ છે કે યુકેમાં ભારતીય મૂળની વ્યક્તિ પ્રથમ વડાપ્રધાન બનશે. ભારતમાં બધા ખુશ છે, ત્યારે અહીં આપણે હજુ એનઆરસી અને સીએએ જેવા કાયદા દ્વારા વિભાજનકારી અને ભેદભાવયુક્ત કાયદામાં અટવાયા છીએ.

મહેબુબા મુફ્તિના આવા નિવેદનના જવાબમાં વરિષ્ઠ પત્રકાર કંચન ગુપ્તાએ લખ્યું કે, ગૌરવની ક્ષણ એ પણ ગણાશે જ્યારે એક ભારતીય હિન્દુ જમ્મુ-કાશ્મીરમાં મુખ્યપ્રધાન બનશે. મહેબુબા મુફ્તિના કાયદાઓ અંગેના ટોણાના જવાબમાં કંચન ગુપ્તાએ લખ્યું કે, મહેબુબા સીએએનો વિરોધ એટલા માટે કરે છે કે, એ કાયદા દ્વારા પાકિસ્તાનમાં અત્યાચારોનો સામનો કરી રહેલા લઘુમતીઓને ભારતમાં શરણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે તેમણે એનઆરસીના વિરોધ અંગે પ્રશ્ન કર્યો કે, મહેબુબા નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સથી ડરે છે શા માટે?

આ સિવાય પણ અનેક નેટિઝન્સે મહેબુબા મુફ્તિને યાદ અપાવ્યું કે, આ દેશમાં લઘુમતી સમુદાયના ચાર રાષ્ટ્રપતિ- ઝાકીર હુસેન, ફખરુદ્દીન અહમદ, જ્ઞાની ઝૈલસિંહ તથા અબ્દુલ કલામ. એક વડાપ્રધાન- ડૉ. મનમોહનસિંહ. ચૂંટણી કમિશનરો- એમ.એસ.ગિલ, જેમ્સ માઇકલ લિંગદોહ, એસ.વાય. કુરેશી, નસીમ ઝૈદી. મુખ્ય ન્યાયમૂર્તિઓ- એમ. હિદાયતુલ્લા, મિર્ઝા બેગ, અઝીઝ અહમદી, અલ્તમસ કબીર – એમ લઘુમતી સમુદાયના અનેક લોકો ટોચના હોદ્દા સંભાળી ચૂક્યા છે. આ યાદીમાં જોકે નજમા હેપ્તુલ્લા અને આરિફ મોહમ્મદ ખાન જેવા રાજ્યપાલો ઉપરાંત અબ્દુલ રહેમાન અંતુલે જેવા મુખ્યપ્રધાનોના નામોનો સમાવેશ થઈ શકે.

મહેબુબાને જવાબ આપતાં સોશિયલ મીડિયામાં અન્ય એક પ્રશ્ન પણ ઉપસ્થિત થયો કે, કોંગ્રેસ દ્વારા શા માટે ગુજરાત, કર્ણાટક તથા હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે લઘુમતી સમુદાયના ઉમેદવારના નામ જાહેર કરવામાં નથી આવતા?

શશી થરુર અને પી. ચિદમ્બરમને જવાબ આપતા ભાજપના નેતા શેહજાદ પૂનાવાલાએ લખ્યું કે, ડૉ. થરુર અને પી. ચિદમ્બર તો ડૉ. મહમોહનસિંહને દેખીતા કારણોસર વડાપ્રધાન જ ગણતા નથી. તેમણે ચાર રાષ્ટ્રપતિના નામ લખીને કહ્યું કે, લઘુમતીવાદ નહીં પરંતુ ગુણવત્તા જ માપદંડ હોવો જોઇએ, જે વાત કોંગ્રેસ પક્ષ જાણતો નથી.

એ જ રીતે અમિત માલવિયએ શશી થરુરનો એક જૂનો વીડિયો પણ શૅર કર્યો જેમાં થરુર એમ કહેતા સંભળાય છે કે, (ભારતની) ઈટાલિયન મૂળની અને રોમન કેથોલિક ધર્મ પાળતી મહિલા નેતા સોનિયા ગાંધી દ્વારા ચૂંટણી જીતવામાં આવી, જેમણે એક સિખ મનમોહનસિંહ માટે માર્ગ મોકળો કર્યો, જેમણે 81 ટકા હિન્દુ પ્રજા ધરાવતા દેશમાં વડાપ્રધાન તરીકે એક મુસ્લિમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સમક્ષ શપથ લીધા. માલવિયેએ થરુરના અગાઉના અને આજના આવાં બેવડાં ધોરણ અંગે કટાક્ષ કર્યો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો