ગુજરાતની ચૂંટણીમાં હવાલા મારફત નાણા ઠાલવવાના આમ આદમી પાર્ટી મોડેલનો પર્દાફાશ

— કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન હવાલા નાણાની હેરફેર માટે 30 બિન-ગુજરાતીને કામે રાખ્યા

સુરતઃ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે ગુજરાત ચૂંટણીમાં તેમના પક્ષના ઉમેદવારોને નાણા પહોંચાડવા માટે એક વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. તેમણે ગુજરાત બહારના 30 માણસોને કામે રાખ્યા છે જેઓ આંગડિયાઓ પાસેથી હવાલાના નાણા મેળવીને ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહોંચાડે છે.

આ વાતનો ખુલાસો સુરત પોલીસ દ્વારા થયો છે. આપ- પાર્ટીના બારડોલી બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીએ સુરત ગ્રામ્ય પોલીસને આપેલા લેખિત નિવેદન બાદ આ સમગ્ર કૌભાંડી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજેન્દ્ર સોલંકીએ પોલીસમાં એવું લેખિત નિવેદન આપ્યું છે કે, જે વ્યક્તિને તેમના ડ્રાઇવર તરીકે ઓળખાવવામાં આવે છે તે વાસ્તવમાં અન્ય રાજ્યનો આમ આદમી પાર્ટીનો કાર્યકર છે.

રાજેન્દ્ર સોલંકીએ આ મુજબ નિવેદન આપ્યું છેઃ “સૌરભને મારા ડ્રાઇવર તરીકે ઓળખાવવામાં આવ્યો છે, પરંતુ એ મારો ડ્રાઇવર નથી. તે આપ- માટે કામ કરે છે અને હું તેને બે કે ત્રણ વખત જ મળ્યો છું. તેને પાર્ટી દ્વારા દિલ્હીથી મોકલવામાં આવ્યો છે.”

આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોલંકી આગળ લખે છે કે, “હું સૌરભની મદદ માટે પોલીસ સ્ટેશન ગયો ત્યારે તેણે મને કહ્યું કે જે નાણા (પકડાયા) છે તે આપ – પાર્ટીના પ્રચારના ખર્ચ માટે છે અને એ નાણા પોતે આંગડિયા પાસેથી લાવ્યો છે.”

પોલીસે આ કેસમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા 182 વિધાનસભા બેઠકોના ઉમેદવારોને નાણા પહોંચાડવા માટે ગુજરાત બહારના 30 માણસોની નિયુક્તિ કરી છે. આ લોકો આંગડિયાઓ પાસેથી નાણા લઇને આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર માટે પ્રચાર સંભાળનાર વ્યક્તિઓ સુધી પહોંચાડે છે, પરંતુ એ દરમિયાન એ વાતની તકેદારી રાખવાની આ પર-રાજ્યોના લોકોને સૂચના આપવામાં આવી છે કે આ વાતની જાણ ઉમેદવારનો પોતાને ન થાય, જેથી નાણાના સ્રોત વિશે કોઇને ખબર ન પડે.

વાસ્તવમાં, ગત 12 ઑક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રોકડા પકડાયા હતા. આ કાર બારડોલી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલી હતી ત્યારે મોંએ બુરખો ઢાંકેલા બે બદમાશ બાઇક ઉપર આવ્યા હતા અને કારનો કાચ તોડીને 20 લાખ ભરેલી બેગ લઈને ભાગ્યા હતા. આ ઘટનાને એક વ્યક્તિ જોઈ જતા તેણે બંનેનો પીછો કર્યો હતો. એ લોકોને પોતે પકડાઈ જશે એવું લાગતા 20 લાખ ભરેલી બેગ રસ્તા પર જ ફેંકીને ભાગી ગયા હતા. પીછો કરનાર વ્યક્તિએ એ બેગ પોલીસ સ્ટેશને પહોંચાડી હતી. લૂંટનો આ પ્રયાસ થયો ત્યારબાદ તપાસ વધારે સઘન બનતાં આમ આદમી પાર્ટી દ્વારા હવાલા મારફત રાજ્યમાં નાણા ઠલવાતા હોવાનું ખૂલ્યું હતું.

દેશ ગુજરાત