વડાપ્રધાન મોદીએ કરેલા આહ્વાનના પ્રતિસાદરૂપે બોટાદના ઉગામેડીમાં આકાર પામ્યું અમૃત સરોવર
March 02, 2023
બોટાદ : આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ દેશનાં તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનાં નવનિર્માણ-નવિનીકરણ કરવાનું આહ્વાન કર્યું છે. જેના પ્રતિસાદરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં નમૂનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે. જેની ખાસ નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં તા. ૨૨-૦૨-૨૦૨૩નો રોજ મળેલી “પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ (PRAGATI)” બેઠકમાં દેશના બે નમૂનારૂપ અમૃત સરોવર તરીકે ઉગામેડીના આ સરોવરની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના-SAGY અંતર્ગત પસંદગી કરાયેલાં ઉગામેડી ગામમાં લોકભાગીદારી, મહાત્મા ગાંધી નરેગા તથા અન્ય સરકારી યોજના તેમજ કોર્પોરેટ સમાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ તેમજ ગામના જ જાણીતા ઉદ્યોગકારની માલિકીના ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના સહયોગથી નમૂનારૂપ તળાવનું નિર્માણ કરવાનું નક્કી કરાયું. ૫૧૫ મીટર લંબાઇ, ૧૦૦ મીટર આજુબાજુ પહોળાઈ ધરાવતું તેમજ ૩૦-૩૪ ફૂટ સરેરાશ ઊંડાઈવાળું આ સરોવર ૧૨.૭૪ એકરમાં ફેલાયેલું છે, જે ૪.૭૧ લાખ ક્યુબિક મીટર પાણીના જથ્થાની સંગ્રહશક્તિ ધરાવે છે. આ તળાવ નિર્માણમાં લોકભાગીદારી, CSR તથા સરકારી યોજનાઓ જેવી કે, ૧૫મું નાણાપંચ, મહાત્મા ગાંધી નરેગા અને વન વિભાગની યોજનાઓનો સહયોગ સાંપડ્યો છે. ૧૪૯ લાખ એટલે કે લગભગ દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી” તરીકે ઓળખ પામ્યું છે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે ધ્વજવંદન કાર્યક્રમ માટે ધ્વજસ્તંભ નિર્માણ અને બેઠક વ્યવસ્થા, ફાઉન્ડેશન સ્ટોન, જવાનો રસ્તા નિર્માણ અને અન્ય સુશોભન દ્વારા ગામમાં આધુનિક સગવડો ધરાવતી નવી મિલકત નિર્માણ પામી છે. “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ની વિશેષતાઓમાં પાણી સંગ્રહ માટે પાકા ચેકડેમ, સરોવરની આજુબાજુ સ્થાનિક પાંચ હજાર વૃક્ષોનું વનીકરણ, સુંદર પાકા રસ્તા, લાઈટ અને સીસીટીવી કેમેરા, બેસવા માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા, નૌકા વિહાર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. તળાવની સુંદરતા માટે વિવિધ સુશોભન કામગીરીથી આ સરોવરની આગવી ઓળખ ઊભી થઈ છે. જેથી ઉગામેડી તથા આસપાસના ગામલોકો માટે હરવા-ફરવા અને ઉજવણી માટે પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે.
સરકારના ખેડૂતની આવક બમણી કરવાના નિર્ધારમાં અમૃત સરોવરોની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ના નિર્માણ બાદ પાણીનો સંગ્રહ થતા આજુબાજુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં ફાયદો મળી રહ્યો છે. આજે આજુબાજુના ૧૦-૧૫ ગામોના ખેડૂતોની ૧,૨૦૦ હેક્ટર જેટલી ખેતીના પિયત માટે આ સરોવરના પાણીની મદદ મળી રહી છે. તેમજ તળાવની બાજુમાં ૨૦૦ ગાયોની ગૌશાળાના પશુઓને પણ પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામજનો જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. આમ, ઉગામેડી ગામે નિર્માણ પામેલું અમૃત સરોવર જીવસૃષ્ટિની પાણીની જરૂરિયાત પૂરી કરવાની સાથે-સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે