ગુજરાતમાં ૨૦ વર્ષમાં ફળ પાકોમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો વધારો: કૃષિ મંત્રી
October 13, 2023
-ગુજરાતમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં થયો ઉત્તરોતર વધારો: ફળ પાકોમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
-બાગાયતી પાકોનું રાજ્યમાં વાર્ષિક સરેરાશ ૬૦ હજાર હેક્ટર નવું વાવતેર શરુ થયું: સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ શરુ થયું નવું વાવેતર
-મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦.૯૬ ટકા, ફળપાકના ઉત્પાદનમાં ૧૩.૦૧ ટકા અને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૧૨.૫૯ ટકા ફાળો
-પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ
ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકોના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકોના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યમાં બાગાયતી પાકોનું વાર્ષિક સરેરાશ ૬૦ હજાર હેક્ટર નવું વાવેતર શરુ થાય છે, અને સાથે જ સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ નવું વાવેતર શરુ થયું છે.
વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૦૨માં ફળપાકોનો વાવેતર વિસ્તાર ૧.૯૮ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૨૬.૬૨ લાખ મે.ટન હતું, જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં ફળપાકોનો વાવેતર વિસ્તાર ૪.૪૮ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૮૨.૯૧ લાખ મે.ટન નોંધાયું છે. વધુમાં, શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર ૨.૩૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૩૨.૯૯ લાખ મે.ટન હતું, જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર ૮.૩૨ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૧૬૭.૧૮ લાખ મે.ટન થયું છે. આટલું જ નહિ, મસાલા પાકોનો વાવેતર વિસ્તાર તે સમયે ૨.૫૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૨.૪૦ લાખ મે.ટન હતું, જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર ૬.૫૭ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૧૨.૦૧ લાખ મે.ટન સુધી પહોંચ્યો છે.
આજે ભારતના કુલ મસાલા પાકોના ઉત્પાદનમાં ગુજરાતનો ૧૦.૯૬ ટકા ફાળો છે, જ્યારે ફળપાકના ઉત્પાદનમાં ૧૩.૦૧ ટકા અને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૧૨.૫૯ ટકા ફાળો ગુજરાતનો છે. આજે પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં તેમજ પપૈયા, ચીકુ, વરીયાળી, જીરૂ, ભીંડા અને અજમાંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દાડમ તથા લીંબુના ઉત્પાદનમાં દ્વિતીય છે. ગુજરાત બટાકા અને વરીયાળીની ઉત્પાદકતામાં પ્રથમ, જ્યારે દાડમની ઉત્પાદકતામાં દેશમાં દ્વિતીય છે.
વધુમાં, ગુજરાત પાસે પોતાની આગવી ઓળખ કહી શકાય તેમજ વૈશ્વિક સ્તરે આગવું સ્થાન ધરાવટી “ગીરની કેસર કેરી” અને “કચ્છી ખારેક” નો પણ સમાવેશ થાય છે. રાજ્યને બાગાયતી ક્ષેત્રે સતત આગળ વધારવા માટેનું આગોતરું આયોજન કરીને ગુજરાત સરકાર દ્વારા ૪૮૩ કોલ્ડ સ્ટોરેજ, ૭૮ રાયપનીંગ ચેમ્બર, ૩૮ પ્રાયમરી મિનિમલ પ્રોસેસીંગ યુનિટ, ૧૨ હાઇટેક નર્સરી, ૩૭૧ શોર્ટીગ-ગ્રેડીગ-પેકીગ યુનિટ, ૩૪ ટીસ્યુ કલ્ચર લેબોરેટરી, ૨૩ બાયોકંટ્રોલ લેબ, ૧૯ પ્રી-કુલીંગ યુનિટ અને રેફ્રીઝરેટેડ વાન પણ ઉપલબ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય