વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય
June 18, 2024
ગાંધીનગર: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ આ કાર્યક્રમ હેઠળ કુલ 17,69,863 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો.
સિકલ સેલ એનેમિયાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે ઉઠાવેલા પગલાંઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં જોવા મળતા આ રોગની નાબૂદી પર ખાસ ધ્યાન આપ્યું છે. સરકારે આ રોગ અંગેના જાગૃતિ અભિયાનને વેગ આપવાની સાથે જ તેના નિદાન અને સારવારની વ્યવસ્થા તેમજ દવાઓની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો છે.
રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત, લગ્ન પહેલા જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો છે. સાથે જ, રાજ્ય સરકારે આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સિકલ સેલ કાઉન્સેલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવી શકાય. આ માટે, પ્રાથમિક તપાસ તરીકે લાભાર્થીનો ડીટીટી ટેસ્ટ (ટર્બિડિટી ટેસ્ટ) કરવામાં આવે છે, અને ત્યારબાદ સચોટ નિદાન માટે હાઇ પર્ફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી (HPLC) ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સિકલ સેલને સમર્પિત ડે કેર સેન્ટર પણ ખોલ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકે. જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, વર્ષ 2024-25થી રાજ્ય સરકાર દ્વારા ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના દર્દીઓને દર મહિને જે ₹500ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી, તેને હવે વધારીને ₹2500 કરવામાં આવી છે.
વડાપ્રધાનનું 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 1 જૂલાઈ, 2023ના રોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાથી રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબૂદી મિશન 2047નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકાર વર્ષ 2047માં ભારતના અમૃતકાળનો ઉત્સવ ઉજવતા પહેલા આ બીમારીને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મિશનનો લક્ષ્યાંક ગુજરાત સહિત સમગ્ર દેશના 17 ઉચ્ચ જોખમવાળા રાજ્યોમાં 0-40 વર્ષની વયજૂથના લગભગ 7 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવાનો છે. સરકાર આ રોગની સારવાર પણ ઉપલબ્ધ કરાવશે.
જાણો, શું છે સિકલ સેલ એનેમિયા
સિકલ સેલ એનેમિયા એ રક્ત સંબંધિત આનુવંશિક વિકાર છે. સામાન્ય રીતે લાલ રક્તકણો ગોળાકાર અને લચીલા હોય છે, પરંતુ આ રોગમાં લાલ રક્તકણોનો આકાર બદલાઇને અંગ્રેજી અક્ષર ‘સી’ (સિકલ) જેવો થઈ જાય છે અને આ રક્તકણો એકબીજા સાથે ચોંટી જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ અને ઓક્સિજન શરીરના તમામ અંગો સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. પરિણામે, સિકલ સેલ એનેમિયાના દર્દીઓને ઘણા પ્રકારની આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સિકલ સેલ એનેમિયાના લક્ષણો
શરીર નબળું થઈ જવું, સતત તાવ આવવો અને કમળો થઇ જવો, સાંધા અને હાડકાંઓમાં સોજો, પેટમાં દુઃખાવો, સગર્ભા મહિલાઓમાં કસુવાવડ થવાની શક્યતાઓ અને ચેપી રોગો ખાસ કરીને ફેફસાંના રોગોનો સરળતાથી શિકાર થઈ જવું, વગેરે સિકલ સેલ એનેમિયા રોગના મુખ્ય લક્ષણો છે.
સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ રાખવાની સાવચેતીઓ
સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ નિયમિત રીતે હોસ્પિટલમાં ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત, દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછું 10-15 ગ્લાસ પાણી પીવું જોઇએ, પૂરતો આરામ કરવો જોઇએ, તણાવમુક્ત રહેવું જોઇએ, દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઇએ, ધૂમ્રપાનથી બચવું જોઇએ, વધુ ઊંચાઇ વાળા સ્થળોએ ન જવું જોઇએ, વધુપડતી ઠંડીથી બચવું જોઇએ, વધુ શારીરિક શ્રમ ટાળવો જોઇએ અને આકરા તાપમાં બહાર ન નીકળવું જોઇએ.
સિકલ સેલ એનેમિયાના રોગને લઇને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સિકલ સેલ એક વારસાગત રોગ હોવાને કારણે તે માતા-પિતાથી તેમના સંતાનો સુધી પહોંચે છે, એટલે જો લગ્ન પહેલા યુવક-યુવતી સિકલ સેલની તપાસ કરાવી લે તો આ રોગને ફેલાતો અટકાવવો શક્ય છે. સરકાર પણ આ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ અને જાગૃતિની વ્યૂહરચના સાથે સિકલ સેલને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય