નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
November 27, 2024
ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નું વિમોચન- જાહેરાત કરવામાં આવી છે. કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ–૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂ. ૮ લાખ થી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખ થી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરાઈ છે.
તેમણે કહ્યું હતું કે, આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે રૂ. ૭૦,૦૦૦ની સહાય અને પ્રોટોટાઈપ માટે મહતમ રૂ. ૨૦,૦૦૦ સહાય આપશે. રાજ્ય સરકાર દ્વારા “વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટ્સનું ઘરે બેઠા દેશ-વિદેશમાં વેચાણ કરી શકાશે. રાજ્ય સરકારના સહયોગથી NID અને NIFT જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે.‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા આવનાર સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની વિસ્તૃત માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ્સ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે તેમ, તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત નવીન પહેલના ભાગરૂપે ‘યુનિટી બેન્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરીને સુરત ખાતે તૈયાર કરાયેલ પી.એમ. એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી હતી, જેની મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોએ મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે