વિશ્વામિત્રીના વધતા જળસ્તર, જો કે વડોદરા-પંચમહાલ જિલ્લામાં હવે ભારે વરસાદ વરસે તો જ ચિંતાજનક સ્થિતિ સર્જાય

વડોદરાઃ જેવું વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે કે વડોદરાવાસીઓ ચિંતામાં મૂકાય. આ સ્વાભાવિક છે કારણકે પાછલા વર્ષોમાં શહેરમાં અનેક વખત પૂર આવી ગયા છે. જો કે ચાલુ ચોમાસામાં પૂરનો ભય લાગે તેવી સ્થિતિ માત્ર પાછલા બે દિવસમાં સર્જાઇ છે, કારણકે આજવા બંધના બાસઠ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે કાલા ઘોડા પુલ પર વિશ્વામિત્રીની જળસપાટી એકવીસ ફૂટને પાર કરી ગઇ છે. વડોદરામાં કાલા ઘોડા પુલ નીચે જળસપાટી છવ્વીસ ફૂટે પહોંચે ત્યારે ખતરાનું સ્તર ગણવામાં આવે છે. જો કે પુરની કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અસર જળસપાટી 29 ફૂટે પહોંચે ત્યારે થાય છે. અને વિવિધ વિસ્તારોમાં વ્યાપક અસર 31 ફૂટના સ્તર પછી થતી હોય છે. શું આ વખતે આ સ્થિતિ સર્જાશે૟ આ પ્રશ્નનો જવાબ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પડનારા વરસાદ પર નિર્ભર છે. વરસાદ ભારે, અતિભારે, અતિશય ભારે પડે છે કે હળવો અને સામાન્ય વરસે છે, અથવા વરસતો જ નથી એ બધી બાબતો પર દારોમદાર છે કે વિશ્વામિત્રીની જળસપાટી કેટલી વધશે. રવિવારની સવારના આઠ વાગ્યાની સ્થિતિએ તો જળસપાટી સાડા એકવીસ ફૂટે છે જે ચોવીસ કલાક પહેલા લગભગ 17 ફૂટે હતી. વડોદરા જિલ્લામાં વડોદરા શહેર અને શહેરથી પૂર્વ દિશામાં અને પંચમહાલના હાલોલ, પાવાગઢ વગેરે વિસ્તારોમાં હવે કેટલો વરસાદ વરસે છે તેના પર ચાંપતી નજર રાખવી પડે.