માત્ર વાર્ષિક વીસ રુપિયા ભરતા બે લાખ સુધીની આર્થિક સુરક્ષા આપતો વીમોઃ આ રીતે તેનો લાભ લો
September 15, 2025
ગાંધીનગરઃ ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂ. ૧ થી ૨ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, ખાસ કરીને ઓછી આવક ધરાવતા તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ પુરૂ પાડવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના- PMSBY, પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના- PMJJBY તેમજ અટલ પેન્શન યોજના- APY એમ કુલ ચાર યોજનાઓ અંતર્ગત દેશભરમાં તા. ૦૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ત્રણ મહિના માટે ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રની આ યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના નાગરિકને ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાતની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતો તથા શહેરી સ્થાનિક સંસ્થાનોમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મદદરૂપ થવા સેવારત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-VCEને આ જવાબદારી આપવાનો તાજેતરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ જે નાગરિકોને બેંકમાં ખાતું ના હોય તો ખોલાવવા ઉપરાંત KYC તેમજ જે ખાતામાં વારસદારોની નોંધણી બાકી હોય તેમાં નોંધણી કરાવવી, ડિજિટલ છેતરપિંડી નિવારણ, બેંકમાં દાવા વગરની થાપણો અંગે વિવિધ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંદર્ભે વધુ વિગતો માટે નજીકની બેંક શાખા, બેંક મિત્ર કે VCEને સંપર્ક કરવાનો રહેશે.
PMSBY યોજનાનો લાભ લેવા બેંકમાં બચત ખાતું તેમજ ૧૮ થી ૭૦ વર્ષ આયુ ધરાવતા હોવા જોઈએ. જેમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતા માટે રૂ. બે લાખ તેમજ આંશિક કાયમી અપંગતા માટે રૂ. એક લાખના વીમા કવરેજનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી માટે https://jansuraksha.gov.in/PMJJBY, હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૧૦-૦૦૧ નજીકની બેંક શાખા તથા ઓનલાઈન બેન્કિંગ પોર્ટલ-મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાશે. જેનો પાત્રતા ધરાવતા તમામ નાગરિકોએ લાભ લેવા નાણા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
