AAPના કેજરીવાલના રેવડી વચનો ગુજરાતનું કલ્યાણ નહિ આર્થિક બરબાદી કરે એવા છે

  • કેજરીવાલના માત્ર પાંચ વચનો જ અમલમાં મૂકાય તો રાજ્યની તિજોરી પર રૂ.80,000 કરોડનો બોજો વધે અને કુલ ખર્ચ 2,99,016 કરોડ થાય, જે વર્તમાન અંદાજપત્રીય ખર્ચથી આશરે 37 ટકા વધી જાય….આના માટે રૂપિયા ક્યાંથી લાવશે તેની કોઇ ચોખવટ નથી. શું કેજરીવાલ હર્યાભર્યા ગુજરાતને બરબાદીના માર્ગે ધકેલવા માંગે છે?

ગુણવંત સાધુ

દેશમાં આજે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાતા ફ્રી એટલે કે મફતિયા વચનો પર ગરમાગરમ ચર્ચા છે.  આમાં મતમતાંર છે જેમાં કેટલાક લોકો તેને કલ્યાણ યોજના કહે છે તો સામે મોટો વર્ગ તેને મતદારોને લોભાવવાના ચૂંટણીલક્ષી વચનો કહે છે, જે મફતની રેવડીઓ તરીકે ચર્ચાસ્પદ છે. ભારતના બંધારણમાં લોકોના કલ્યાણની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ વધતા ઓછા અંશે એવી યોજનાઓ અમલમાં પણ મૂકી રહી છે. કલ્યાણ યોજનાઓ પાછળનો આશય જેઓ વંચિતો છે, આર્થિક-સામાજિક રીતે પછાત છે તેમને સહાયભૂત થઇને તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવાનો હોય છે. જ્યારે ચૂંટણી ટાણે જાહેર કરવામાં આવતી મફતિયા યોજનાઓનો આશય લોકોને લચાવવીને મતો ખેંચવાનો હોય છે. આવા વચનો આપવા પાછળ કોઇ વિવેકભાન રાખવામાં આવતું નથી. મફતિયા યોજનાઓનો લાંબા સમય સુધી અમલ કરવામાં આવે તો રાજ્ય કે દેશ બરબાદ થઇ જાય. રેવડી કલ્ચરથી બરબાદ થયેલું વેનેઝુએલા તેનું જગજાહેર ઉદાહરણ છે. તે કેવી રીતે બરબાદ થઇ ગયું તેની વાત કરતા પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના મતદારોને જે ઢગલાબંધ બાંહેધરીઓ આપીને સનસનાટી ઊભી કરી છે તેની વાત કરીએ.

આમ તો બધા રાજકીય પક્ષો ફ્રી યોજનાઓની જાહેરાત કરતા હોય છે એમાં ખાસ નવાઇ નથી. પરંતુ અન્ના હઝારેના ભ્રષ્ટાચાર સામેના આંદોલન પછી રાજકીય લાભ લેવાના આશયથી બનેલી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે રાજ્યોમાં ઝડપથી સત્તા કબજે કરવા લોકોને પટાવવાનો સસ્તો માર્ગ અપનાવ્યો છે – ફ્રી વીજળી, ફ્રી પાણી,  ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય, 10 લાખ નોકરીઓ, દેવામાફી અને ઘણુંબધું. આમ તો આ ચૂંટણી જાહેરાતોમાં ખોટું શું છે? લોકોને આવું મળે તે ગમે જ. પરંતુ જેમને જરૂર છે એવા ગરીબો અને વંચિતોને મદદ અને સહાય મળે તે યોગ્ય છે. બધા લોકોને મફતિયું આપવાથી તો રાજ્યની તિજોરી ખાલી થઇ જાય પછી એવો વખત આવે કે ખાવા-પીવાની ચીજોમાં પણ કાપ આવી જાય. ચીજવસ્તુઓની અછત સર્જાય, મોંઘવારી વધે, ગુનાખોરી વધે અને આત્મહત્યાઓ વધી જાય. રાજ્યનો વિકાસ ખોરવાઇ જાય અને રાજ્ય ચલાવવા દેવું કરવું પડે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને રેવડીઓ વહેંચવાની ઘણી જાહેરાતો કરી છે તેમાંની કેટલીક ઉલ્લેખનીય જાહેરાતો નીચે છે.

  1. સરકારી નોકરીઓમાં 10 લાખ ભરતી
  2. 2. દર મહિને દરેક ઘરને 300 યુનિટ વીજળી ફ્રી
  3. 3. 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને રૂ.1000
  4. 4. બેરોજગારોને દર મહિને રૂ.3000
  5. દરેક ગ્રામ પંચાયતને વર્ષે રૂ.10 લાખ ગ્રાન્ટ
  6. દરેક સરપંચને દર મહિને રૂ.10,000 પગાર

હવે આ દરેક પરનો વાર્ષિક ખર્ચ કેટલો થાય તેનો એક કાચો અંદાજ કાઢીએ.

  1. સરકારી નોકરીઓમાં 10 લાખ ભરતી પરનો વાર્ષિક ખર્ચ

હાલમાં ગુજરાત સરકારમાં 9.38 લાખ નોકરીયાતો છે. કેજરીવાલ બીજી 10 લાખ સરકારી નોકરી ક્યાંથી કાઢશે? કેટલીક ખાલી જગ્યાઓ ભરી શકાય, પણ વધારાની બીજી 10 લાખ સરકારી નોકરી?

એના પગાર ખર્ચનો અંદાજ કાઢીએ. ગુજરાત રાજ્યના 2022-23ના બજેટમાં પગાર પાછળ અગાઉના વર્ષના 10 ટકા વધુ એટલે કે રૂ.38,020 કરોડ અને પેન્શન પર રૂ. 17,590 કરોડ ખર્ચનો અંદાજ છે.

હવે જો કેજરીવાલ 10 લાખ સરકારી નોકરી આપવાના હોય તો અંદાજે બીજા રૂ.38,000 કરોડનો ખર્ચ ગણીએ. આ વધારાનો ખર્ચ ઉમેરીએ  કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થાય. વત્તા હાલનો પેન્શનનો ખર્ચ રૂ.17,590 કરોડ.

એટલે કે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પરનો કુલ મળીને ખર્ચ રૂ.93,590 કરોડ થાય.

ટૂંકમાં નવી 10 લાખ સરકારી નોકરીઓનો ખર્ચ આશરે રૂ.38,000 કરોડ ગણીને ચાલીએ.

  1. દરેક ઘરને ફ્રી 300 યુનિટ વીજળીનો વાર્ષિક ખર્ચ

ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક માટે જુદા જુદા સ્લેબ પ્રમાણે યુનિટ દીઠ ચાર્જ વસૂલે છે. 250 યુનિટથી વધુ વપરાશ માટે શહેરી માટે રૂ.5.2 અને ગ્રામ્ય માટે રૂ.4.9 વસૂલ કરે છે. અન્ય ચાર્જને ગણતરીમાં લીધા વિના, માત્ર યુનિટ દીઠ રૂ.5 ગણીએ તો 300 યુનિટ વીજવપરાશનો ખર્ચ ઘર દીઠ 1500 રૂપિયા થાય. એક કાચા અંદાજ પ્રમાણે ગુજરાતની વસ્તી આશરે 7 કરોડ છે અને ઘર દીઠ પાંચ માણસો ગણીએ તો આશરે 140 લાખ ઘર થાય.

હવે 300 યુનિટ વીજળીનો બે મહિનાનો ખર્ચ ગણીએ તો,

300 X 5 X 140,00,000 = 210,00,000,000 (2100 કરોડ રૂપિયા) થાય.

300 યુનિટ સુધી વીજળી ફ્રી મળવાની હોય, તો લોકો તેનો પૂરો વપરાશ કરે.

તો એક વર્ષનો ખર્ચ 2100 કરોડ X 6= 12,600 કરોડ રૂપિયા

  1. 3. 18 વર્ષથી ઉપરની મહિલાને મહિને રૂ.1000ની ચૂકવણીનો વાર્ષિક ખર્ચ

2019ની વિધાનસભાની ચૂંટણી વખતે આશરે 2.17 કરોડ મહિલા મતદારો હતી. હાલ આ આંકડો 2.25 કરોડ ગણીએ તો, મહિને 2250 કરોડ રૂપિયા.

વર્ષે આ ખર્ચ 2250 કરોડ X 12 = 27,000 કરોડ રૂપિયા

  1. 4. બેરોજગારોને દર મહિને રૂ. 3000 પ્રમાણે વાર્ષિક ખર્ચ

ગુજરાતમાં બેરોજગારીનો દર અન્ય ઘણા રાજ્યોની સરખામણીમાં નીચો છે, જે ઓગસ્ટ 2022માં 2.6 ટકા હતો. કેજરીવાલના બેરોજગારને દર મહિને રૂ.3000 આપવાના વચન પ્રમાણે ગણતરી કરીએ. ગુજરાતમાં રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા લગભગ 4 લાખ

તેમને રૂ.3000 લેખે દર મહિને રૂ.120 કરોડ આપવાના થાય.

વર્ષમાં આ ખર્ચ 120 x 12 = 14,400,000,000 (1,440 કરોડ) થાય.

5.દરેક ગ્રામ પંચાયતને વર્ષે રૂ.10 લાખ ગ્રાન્ટ

ગુજરાતમાં આશરે 14,000 ગ્રામ પંચાયત છે.

એટલે વર્ષે 14,000 X 10,00,000 =14,00,00,000 (1,400 કરોડ) ચૂકવવાના થાય.

  1. દરેક સરપંચને મહિને રૂ.10,000 પ્રમાણે વાર્ષિક ખર્ચ

ગુજરાતની 14,000 ગ્રામ પંચાયત પ્રમાણે દર મહિને રૂ.14 કરોડ થાય

તો વર્ષના 14,00,00,000 X 12 = 168,00,00,000 (168 કરોડ રૂપિયા) થાય.

બધાનો સરવાળો કરીએ તો, કુલ વાર્ષિક ખર્ચ- 93,208 કરોડ

આ આખી ગણતરી નીચેના કોઠામાં જણાવી છે.

AAPની ચૂંટણી જાહેરાતો માસિક ખર્ચ (અંદાજિત રૂ. કરોડ) વાર્ષિક ખર્ચ (અંદાજિત રૂ. કરોડ)
10 લાખ સરકારી નોકરીઓ રૂ.38,000 કરોડ (આશરે)
બે મહિને ઘરદીઠ 300 યુનિટ ફ્રી વીજળી રૂ. 2100 કરોડ (બે માસનું) રૂ.12,600 કરોડ
18 વર્ષથી ઉપરની મહિલાને મહિને રૂ.1000 રૂ. 2250 કરોડ રૂ.27,000 કરોડ
બેરોજગારોને મહિને રૂ.3000 રૂ. 120 કરોડ રૂ.1,440 કરોડ
દરેક ગ્રામ પંચાયતને વર્ષે રૂ.10 લાખ ગ્રાન્ટ રૂ.1,400 કરોડ
દરેક સરપંચને મહિને રૂ.10,000 રૂ. 14 કરોડ રૂ.168 કરોડ
કુલ રૂ. 80,608 કરોડ

(ઉપલબ્ધ સ્રોતો અને ગુગલ સર્ચમાં મળેલા ઓછામાં ઓછા આંકડા પર આધારીત ગણતરી)

રેવડી વચનોના અમલથી ગુજરાતની તિજોરી પર 80 હજાર કરોડનો બોજો વધે

હવે ગુજરાતને 2021-22માં 1,63,270 કરોડની ચોખ્ખી આવક થઇ હતી અને 2022-23ના બજેટમાં રૂ.1,82,295 કરોડની ચોખ્ખી આવકના અંદાજ સામે રૂ. 2,18,408 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જો ઉપરના રેવડી ખર્ચને આ ખર્ચમાં ઉમેરીએ તો કુલ 2,99,016 કરોડનો ખર્ચ થાય, જે વર્તમાન અંદાજપત્રીય ખર્ચ કરતા આશરે 37 ટકા વધુ છે. રૂ. રૂ.1,82,295 કરોડની ચોખ્ખી આવક સામે બમણાથી સહેજ ઓછો એટલે કે રૂ. 2,99,016 કરોડનો ખર્ચ થાય.

  • આટલા રૂપિયા કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ક્યાંથી લાવશે? તેમણે પોતાના રેવડી વચનોમાં આવક ક્યાંથી પેદા કરશે તેની કશી વાત કરી નથી.
  • શું તે વચનો પૂરા કરવા લોનો લેશે? અને ગુજરાતને દેવામાં ડૂબાડશે?
  • તે આવક વધારવા દારૂબંધી હટાવીને દારૂના વેચાણને છૂટ આપશે? જે શાંતિ અને સલામતીને જોખમાવશે?
  • શું તે ઉદ્યોગો અને ઉચ્ચ મધ્યમવર્ગ તથા શ્રીમંત લોકો પર વેરા વધારશે? જેનાથી તેમની પરેશાની વધશે?
  • આવક કરતાં ખર્ચ વધી જશે તો ગુજરાતના વિકાસનું અને ગુજરાતના લોકોના સુખચેનનું શું થશે? આટલા વર્ષોમાં ગુજરાત જે વિકાસનું એન્જન છે તે કેજરીવાલના તુક્કાઓના કારણે ડબ્બો નહિ બની જાય?
  • શું કેજરીવાલ ગુજરાતને બરબાદીના માર્ગે લઇ જવા વિચારે છે?

ગુજરાતની પ્રજા શાણી, સમજુ અને વ્યવહારુ છે. તે ક્યારેય આવા તરંગી લોકોને ચાન્સ ન આપે.

રાજ્યના વિકાસની સાથે લોકોના કલ્યાણ માટેની સુવ્યવસ્થિત યોજનાઓથી રાજ્યનો અને દેશનો સર્વાંગી વિકાસ થાય જ્યારે લોકોને ખુશ કરી નાખવા વગર વિચાર્યે નાણાં ઉડાવવાની યોજનાઓથી છેવટે બરબાદી આવે એને તેનો બધા ભોગ બને. દિલ્હીમાં  શાસકોની આવી યોજનાઓ અને નીતિઓના જે પરિણામો આવે છે તેનું સૌથી મોટું ઉદાહરણ વેનેઝુએલા છે.

સમૃદ્ધ દેશ વેનેઝુએલાનું આવા રેવડી કલ્ચર અને કુશાસનના કારણે થયું પતન

વેનેઝુએલા એક સમયે લેટિન અમેરિકાનો સૌથી શ્રીમંત દેશ હતો. તેની પાસે વિશ્વમાં સૌથી મોટો ક્રુડ ઓઇલનો ભંડાર છે. તેની સમૃદ્ધિ અને નાણાંની કોઇ સીમા ન હતી. નેવુના દાયકામાં વેનેઝુએલા સાઉથ અમેરિકાનું પાવરહાઉસ હતું. પરંતુ કમનસીબે હુગો ચેવેજ પ્રમુખપદે ચૂંટાયા પછી આ દેશ 1999માં સમાજવાદ તરફ વળ્યો. તેણે અમેરિકા સાથેના સંબંધો કાપી નાંખ્યા અને રશિયા તથા ચીન સાથે જોડાણ કર્યું. તેની સરકારે કલ્યાણ અને રેવડી પ્રકારની મફતિયા યોજનાઓ પાછળ ગજાબહારના ખર્ચા કર્યા. દરેક ચીજવસ્તુઓની કિંમતો ફિક્સ્ડ કરી દીધી. તેણે ખેતરોને દેશની સંપત્તિ જાહેર કરી અને ખેતી બંધ કરી દીધી. તેના બદલે તે ક્રુડ ઓઇલના વેચાણ પર નિર્ભર થઇ ગયો. દેશની કુલ નિકાસના 96 ટકા હિસ્સો ક્રુડ ઓઇલનો છે. હુગો ચેવેજ આજે પણ તે ગરીબોના નાયક તરીકે જાણીતો છે.

તેના પછી સત્તા પર નિકોલસ માદુરો આવ્યો. તેણે અગાઉની સરકારની નીતિઓ ચાલુ રાખી. એટલું જ નહિ, દેશના અર્થતંત્રને લગતા આંકડાઓ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ કાળક્રમે જે ક્રુડ ઓઇલની કમાણી પર દેશ નિર્ભર હતો તેના ભાવ ગબડતા અર્થતંત્ર તૂટી પડ્યું.

2014માં ક્રુડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ હતો, તે 2016માં 26 ડોલર પ્રતિ બેરલ ગબડ્યો હતો. હાલમાં જોકે સુધરીને 90 ડોલર પ્રતિ બેરલ ચાલે છે. વેનેઝુએલાની સરકારે ખરાબ સમયમાં કામ લાગે એવું કોઇ નાણાકીય આયોજન કર્યું ન હતું. વેનેઝુએલા પાસે હાલ કોઇ રોકડ નાણાં નથી. લોકો ભૂખે મરી રહ્યા છે. દેશમાં રેકોર્ડ તોડ મોંઘવારી છે. 2018માં ફૂગાવો 10 લાખ ટકા વધી ગયા હતો.   2016થી ફૂગાવો 53,798,500% વધ્યો હતો. વધતી મોંઘવારીના કારણે ત્યાંની સરકાર પુષ્કળ પ્રમાણમાં નોટો છાપી રહી છે. તેના કારણે એક નાની ચીજ ખરીદવા પણ કોથળો ભરીને નાણાં આપવા પડે છે. આ મોંઘવારીનો અંદાજ એ પરથી લગાવી શકાય કે વેનેઝુએલામાં એક યુનિવર્સિટીના પ્રોફેસરને પોતાના બૂટને રીપેર કરાવવા 20 અબજ બોલિવર (આશરે 4 લાખ રૂપિયા) ખર્ચવા પડ્યા હતા. હાલ પણ સ્થિતિ એવી છે કે હજારો લોકો ભૂખે મરી રહ્યા છે. એક બ્રેડ ખરીદવા કોથળો ભરીને નાણાંની જરૂર પડે છે. અસ્તિત્વ માટે મારામારી, ખૂનામરકી અને ગુનાઓ સામાન્ય બની ગયા છે.

ભારતમાં કે ગુજરાતમાં આવું ના જ થાય, કારણ કે આપણે લોકશાહીને વરેલા છીએ અને પ્રજા સમજદાર છે. પરંતુ મફતિયા કલ્ચર લાંબા ગાળે કેવું પરિણામ સર્જે તેનું આ એક ઉદાહરણ છે.