દેશમાં સર્વિસ સેક્ટરમાં 14 વર્ષમાં પહેલી વખત સૌથી વધુ રોજગારીનું સર્જન

નવી દિલ્હીઃ દેશના સર્વિસ સેક્ટરમાં હાલ તેજીનો માહોલ છે અને અહેવાલો અનુસાર છેલ્લા 14 વર્ષની સરખામણીમાં અત્યારે આ ક્ષેત્રમાં ખૂબ મોટાપાયે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે.

સર્વિસ ક્ષેત્રનો પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) જુલાઈ 2022માં 55.5 હતો તે ઑગસ્ટમાં વધીને 57.2 થયો છે. આ માટેનું કારણ એ છે કે, આ ક્ષેત્રમાં નવા ઓર્ડર મળી રહ્યા છે અને પરિણામે સર્વિસ સેક્ટરની દેખીતી આર્થિક પ્રવૃત્તિ જોર પકડી રહી છે.

એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા કરવામાં આવેલા સરવે અનુસાર, સર્વિસ સેક્ટરમાં તેજીનો માહોલ જણાતા નવા બિઝનેસ શરૂ થઈ રહ્યા છે, જૂના બિઝનેસમાં સુધારા કરવામાં આવી રહ્યા છે, નવી નોકરીઓનું સર્જન થયું છે એટલું જ નહીં પરંતુ લોકોએ માંગને પહોંચી વળવા ઓવરટાઈમ પણ કરવો પડે છે.

બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય સર્વિસ સેક્ટરમાં પ્રચંડ સુધારો નોંધાયો છે અને અગાઉની સરખામણીમાં આ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું હોય એવા સંકેત છે તેમ એસ એન્ડ પી ગ્લાબલ માર્કેટ ઈન્ટેલિજન્સના ઈકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલીઆના દ-લીમાએ કહ્યું હતું.

આ સરવેમાં એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે, ભારતમાં ફૂગાવાનો દર 11 મહિનાના સૌથી નીચલા સ્તરે હોવા છતાં સર્વિસ સેક્ટરની કંપનીઓ દ્વારા ફૂડ, ઈંધણ અને શ્રમિકોની મજૂરીના દરના નામે વધારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો