કોંગ્રેસ પક્ષે સંઘના ગણવેશને સળગતો બતાવીને લખ્યું- અમે અમારા ધ્યેય સુધી પહોંચીશું : ચોમેર ટીકા

નવી દિલ્હીઃ દેશમાં હિંસા ફેલાવવાની કોંગ્રેસ પક્ષની માનસિકતા વધુ એક વખત છતી થઈ છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર આજે સવારે 11.37 વાગ્યે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (જૂના) ગણવેશની ચડ્ડીને સળગતી દર્શાવતું ચિત્ર મૂકીને લખવામાં આવ્યું છે કે, દેશને ધિક્કારની સાંકળોથી મુક્ત કરવા તથા ભાજપ-આરએસએસ દ્વારા થયેલા નુકસાનને સુધારી લેવા. એક એક ડગલા સાથે અમે અમારા ધ્યેય સુધી પહોંચીશું. આ ટ્વિટ ભારતજોડોયાત્રા હેશટેગ સાથે કરવામાં આવેલું છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આવા ટ્વિટ અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સામાન્ય નાગરિકોએ પણ તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા.

ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી થોડા સમય પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા હતા. ત્યાં તેમણે એવું નિવેદન કર્યું હતું કે, આખા દેશમાં કેરોસીન છાંટી દેવામાં આવ્યું છે.

યાદ રહે, રાહુલના આવા નિવેદનના થોડા દિવસમાં જ સૈન્યની અગ્નિવીર યોજનાના વિરોધમાં બિહાર સહિત અનેક રાજ્યોમાં હિંસા અને આગના બનાવો બન્યા હતા.

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હાલ યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી જિતિન પ્રસાદે કોંગ્રેસના આવા ધિક્કારજનક ટ્વિટના જવાબમાં લખ્યું કે, રાજકીય મતભેદો હોવા એ સ્વાભાવિક અને સમજી શકાય તેવા છે, પરંતુ રાજકીય વિરોધીઓને સળગાવી દેવાની હાકલ કરવી એ કેવા પ્રકારની માનસિકતા છે? આ રાજકીય નકારાત્મકતા અને ધિક્કારને દરેકે વખોડી નાખવો જોઇએ.

કર્ણાટકમાં ભાજપના અગ્રણી નેતા તેજસ્વી સૂર્યાએ લખ્યું કે, કોંગ્રેસની આગથી 1984માં દિલ્હી સળગ્યું હતું. તેની ઈકોસિસ્ટમે 2002માં ગોધરામાં 59 કારસેવકોને જીવતા સળગાવ્યા હતા. એ લોકોએ (કોંગ્રેસ) ફરી તેની ઈકોસિસ્ટમને હિંસા માટે હાકલ કરી છે. રાહુલ ગાંધી ભારત દેશ વિરુદ્ધ લડી રહ્યા છે ત્યારે બંધારણીય વ્યવસ્થામાં શ્રદ્ધા રાખનાર રાજકીય પક્ષ તરીકેનું સ્થાન કોંગ્રેસે ગુમાવી દીધું છે.

રિશિ બાગરી નામના યુઝરે કોંગ્રેસના ટ્વિટના જવાબમાં લખ્યું કે, કાંતો દેશ ચલાવવા તો, અન્યથા દેશ સળગાવવા દોઃ કોંગ્રેસ.

ધિક્કાર ઉપર પ્રેમનો વિજય થશે એવા સૂત્ર સાથે કોંગ્રેસે ગયા અઠવાડિયે શરૂ કરેલી ભારત જોડો યાત્રાના સંદર્ભમાં એક સમાચારને ટાંકીને એક યુઝરે લખ્યું કે, (હવે) ધિક્કાર જ પ્રેમ ઉપર હાવી થઈ રહ્યો છે. અને અમને તેનાથી કોઈ આશ્ચર્ય થતું નથી.

મોદી ભરોસા નામના યુઝરે પણ કોંગ્રેસને જવાબ આપતા લખ્યું કે, કેટલાં વર્ષ નીકળી ગયા પરંતુ દેશને આગ લગાડવાની કોંગ્રેસની ટેવ ગઈ નથી. બે રાજ્યોમાં સરકાર છે, આજે ત્યાંની સરકારમાં પણ આગ લગાડી દીધી. ખોદો તમારી કબર, અમે પણ એ જ ઈચ્છીએ છીએ. આ યુઝરે કોંગ્રેસના ચિત્રને બદલીને તેમાં ભારત જોડો યાત્રાના સ્થાને ભારત સળગાવો યાત્રા લખ્યું અને સાથે સળગતી દિવાસળીનું ચિત્ર પણ મૂક્યું.

નીતુ સિંહ નામની યુઝરે લખ્યું કે, જે હનુમાનના ભક્ત છે તેમને કોઈ સળગાવી શકે નહીં. જે રાવણના અનુયાયી છે એ જ આગ લગાવે, પોતાની લંકા સળગાવે.

દેશ ગુજરાત