પંચાયત સેવાના ૫,૭૬૩ ઉમેદવારોને મુખ્યપ્રધાનના હસ્તે નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગરઃ પંચાયત સેવાના વિવિધ ૧૨ સંવર્ગના પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક-પત્રો એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, યુવાશક્તિના સામર્થ્યને યોગ્ય દિશામાં વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો મેસેજ દ્વારા નવનિયુકત સૌ ઉમેદવારોને ટીમ ગુજરાતમાં જોડાઈને સાચા સમાજ સેવક બની સેવા આપવા અનુરોધ કર્યો હતો. ધનતેરસના દિવસે દિલ્હીથી કેન્દ્ર સરકારે રોજગાર મેળાની શરુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ અનેક રાજ્યોએ રોજગાર ક્ષેત્રે પહેલો શરુ કરી છે. પરંતુ ગુજરાતે તેની અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે અને રોજગાર ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે તે બદલ વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાતને અભિનંદન પાઠ્વ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પારદર્શક અને અસરકારક કાર્યપ્રણાલી સ્થાપી ગુજરાતના વિકાસને વેગવાન બનાવ્યો છે. વડાપ્રધાનશ્રીના જ પદચિન્હો પર ચાલતાં રાજ્ય સરકારે આજે લાભ પંચમીના દિવસે પાંચ હજારથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ માત્ર સાત મહિનામાં ભરતી-પ્રક્રિયા પૂરી કરવા બદલ પંચાયત વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ રોજગાર વાંછુ યુવાઓ માટે વિઝન, એક્શન અને મિશનનો ત્રિપાંખીયો અભિગમ અપનાવ્યો છે અને તેમના દિશાનિદર્શનમાં ગુજરાતમાં પંચાયતી રાજના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કરીને ૧૩ હજારથી વધુ કર્મયોગીઓને તક આપવાનું આયોજન રાજય સરકારે કર્યુ છે.

પસંદગી પામનાર સૌ ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ ઉમેદવારોને ટીમ ગુજરાત તરીકે સરકારની જનકલ્યાણ યોજનાઓના સંવાહક બની તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડવા આહવાન કર્યુ હતું.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ નવનિયુકત ઉમેદવારોને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતની વિકાસ ગાથામાં નવનિયુક્ત યુવાનોનું અમૂલ્ય યોગદાન રહેશે. યુવાનોને સરકારી સેવાઓમાં જોડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ચિંતા કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે જેના પરીણામે આ શકય બન્યું છે.

મંત્રી શ્રી મેરજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે પંચાયત વિભાગ હસ્તકની વિવિધ ૧૫ જેટલા પંચાયત સંવર્ગની પરીક્ષા પોલીસ સુરક્ષા અને સ્ટ્રોંગ રૂમની સઘન વ્યવસ્થા સાથે સંપૂર્ણ પારદર્શી રીતે યોજી હતી. જે અંતર્ગત પાંચ હજારથી વધુ યુવાઓને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ પસંદગી પામેલા ઉમેદવારોમાં ૭૦ ટકાથી વધુ મહિલાઓ છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

પંચાયત, ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતા કહ્યૂ હતુ કે, પંચાયત સેવા વર્ગ – 3 ની૧૭ સંવર્ગો માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૧૫  સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા પુર્ણ કરવામાં આવી છે અને વિવિધ ૧૨ સંવર્ગના પસંદગી પામેલા ૫,૭૬૩ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી નરેશભાઈ શાહે ભરતીની આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શીતા સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા બદલ પંચાયત વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

દેશ ગુજરાત