ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ; અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક

હૈદરાબાદઃ શું ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કોઇ રાજકીય ફાયદો નથી થઇ રહ્યો? હાલમાં યોજાયેલી સાત વિધાનસભાની પેટાચૂંટણીઓના પરિણામો આમ ઇંગિત કરે છે. આ તમામ બેઠકોમાંથી એક પણ બેઠક કોંગ્રેસને નથી મળી પરંતુ વિશેષ ધ્યાન ખેંચતી વાત તો એ છે કે તેલંગાના રાજયમાં એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી ત્યારે જ કોંગ્રેસનું ત્યાં પહેલાથી પણ અધિક ધોવાણ થયું છે.

તેલંગાનાની મુનુગોડે વિધાનસભા બેઠક પેટાચૂંટણી હેઠળ હતી. આ બેઠક પર પ્રચાર તેના જોરમાં હતો અને મતદાન થઇ રહ્યું હતું ત્યારે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાનામાં હતી. તેમ છતા જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસને માભ 10.58 ટકા મતો મળ્યા. આ ટકાવારી 2018માં આ જ બેઠક પર કોંગ્રેસને મળેલી 50.51 મતોની ટકાવારી કરતા લગભગ પાંચમા ભાગની છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાનામાં 27 ઓક્ટોબરે દાખલ થઇ હતી જ્યારે મુનુગોડેની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાઇ હતી. ભારત જોડો યાત્રા આ પેટાચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે પણ તેલંગાનામાં જ હતી.

આ પેટાચૂંટણી કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ભાજપમાં જોડાતા આવી ચડી હતી. ટીઆરએસ પક્ષના નેતા અને મુખ્યમંત્રી કેસીઆરે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધી હતી કારણ કે તેમણે લોકસભાની આવનારી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતરવું છે. જો કે કેસીઆરને ભાજપે બરાબરનો મુકાબલો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર દસ હજાર મતની આસપાસની સરસાઇથી ટીઆરએસ સામે હારી ગયા છે. જો કે કોંગ્રેસ પક્ષ તો ઘણે પાછળ ત્રીજા નંબરે ધકેલાઇ ગયો છે.

તાજેતર ના લેખો