નર્મદા પુરના કારણે અસરગ્રસ્ત ગામોના વેપારીઓ માટે રાહત સહાય યોજના જાહેર
September 29, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે.
આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના ૪૦ ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના ૩૧ ગામો તેમજ નર્મદા જીલ્લાના ૩૨ ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે.
એટલું જ નહી માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાહત સહાય યોજનાની જોગવાઇઓ આ મુજબ છે.
ક્રમ | પ્રકાર | સહાય |
૧ | લારી / રેકડી | ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૫,૦૦૦/- |
૨ | નાની સ્થાયી કેબિન ધારકો
૪૦ ચોરસ ફુટ સુધીનો વિસ્તાર |
ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૨૦,૦૦૦/- |
૩ | મોટી કેબિન ધારકો
૪૦ ચોરસ ફુટથી વધારે વિસ્તાર |
ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૪૦,૦૦૦/- |
૪ | નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. ૫ લાખ સુધી હોય | ઉચ્ચક રોકડ સહાય – રૂ. ૮૫,૦૦૦/- |
૫ | મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી અને જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. ૫ લાખથી વધુ હોય | રૂ. ૨૦ લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય ૭%ના દરે વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખ સુધીની સહાય |
પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે.
ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં સંબંધિત મામલતદારશ્રી/ નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે.
જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે