સૂર્યોદયથી તપતો રહેશે સૂરજ

જપન પાઠક

અંદર બહાર ગુજરાત

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના બે વર્ષ અગાઉથી જ ભારતીય જનતા પક્ષે સંગઠનની દ્રષ્ટિએ અને ગુજરાત સરકારે સરકારની દ્રષ્ટિએ તૈયારીઓ શરુ કરી દીધી છે. અહીં સરકાર કક્ષાની તૈયારીની વાત કરીએ તો કેટલાક નવા કાયદા પાઇપલાઇનમાં છે. બજેટમાં કેટલીક નવી બાબતો શું સમાવી શકાય તેની રુપરેખા પણ તૈયાર છે. કયા કયા પ્રોજેક્ટ 2022ની ચૂંટણી અગાઉ આચારસંહિતા લદાય તે પહેલા પૂરા કરી દેવાના છે તેની સ્પષ્ટતા કેળવાઇ ગઇ છે અને લાગતાવળગતાઓને જોઇતી સૂચનાઓ આપી દેવાઇ છે. સરકાર અત્યારથી લઇને 2022ની આચારસંહિતા સુધી સમયાંતરે આ બધા પત્તા ઉતરતી રહેશે. ગુજરાત ભાજપના વડા મથક કમલમમાં તાજેતરમાં યોજાયેલી ગુજરાત ભાજપની બે બેઠકોમાં મુખ્યમંત્રીએ વિશેષ કરીને કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2022ની ચૂંટણી જીતવા માટે અનેક પૈકીનું એક મહત્વનું પરિબળ – ચાવીઓ પૈકીની ચાવી – બની રહેશે તેવું સૂચવ્યું છે. ગત વર્ષે વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકરે મને આ યોજના વિશે બરાબર આવું જ આકલન બયાન કર્યું હતું.

સરકાર માટે યોજનાઓના જોરે ચૂંટણી જીતવા માટે એ બહુ જરુરી હોય છે કે – 1. યોજનાનો લાભ સંખ્યાની દ્રષ્ટિએ મતદારોના બહુ જ મોટા વર્ગ સુધી પહોંચે 2. બહુ જ મોટા ભૌગોલિક વિસ્તારમાં પહોંચે અને 3. વાસ્તવમાં પહોંચે, અસરકારક રીતે પહોંચે, ચિરંજીવી રીતે પહોંચે અને પરિણામ-લક્ષી રીતે પહોંચે.

કિસાન સૂર્યોદય યોજના સૌ પ્રથમ નાણા મંત્રી નીતિન પટેલે તેમના વર્ષ 2020ના વાર્ષિક બજેટ વક્તવ્યમાં દિનકર યોજનાના નામથી જાહેર કરી હતી. જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટેની વીજળી આવનારા ત્રણ વર્ષોમાં દિવસે મળતી થઇ જાય તે માટે કુલ પાંત્રીસસો કરોડના ખર્ચે સબ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઇન્સ વગેરેની જોગવાઇ હતી અને પહેલા વર્ષના બજેટમાં પાંચસો કરોડ ફાળવાયા હતા. સૌરાષ્ટ્રના બગસરા પંથકમાં દીપડાનો ત્રાસ વધતા સરકારે ત્યાંના સ્થાનિક ખેડૂતોને કેટલાક સમય માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય લીધો હતો તેમાંથી આ યોજનાના બીજ રોપાયા. સરકારને લાગ્યું કે આવું બધે જ કરીએ અને કાયમી રીતે કરીએ તો કેવું? ખર્ચના અંદાજ લગાવાયા, અને નક્કી કરવામાં આવ્યું કે આ તો કરવું જ છે. જ્યોતિર્ગામ યોજના કે જે અંતર્ગત ચોવીસ કલાક થ્રી ફેઝ બિનખેતી વીજળી આપવામાં આવી હતી તેનો અનુભવ સરકાર પાસે હતો જ. આઠ – આઠ કલાકની ત્રણ શિફ્ટમાં ખેતીની વીજળીનો પુરવઠો આપવાના સ્થાને સોળ કલાકની બે શિફ્ટ કરવા માટે દિવસનું વીજ ઉત્પાદન પણ સમકક્ષ જોઇએ, તે માટે સૂર્ય ઉર્જાનો મોટાપાયે વપરાશ કરવાનું આયોજન થયું. જંગલ વિસ્તાર ધરાવતા જિલ્લાઓથી યોજનાના રોલઆઉટની તબક્કાવાર શરુઆત કરી દેવાનું નક્કી કરી દેવામાં આવ્યું. અને પછી દિનકર યોજનાનું કિસાન સૂર્યોદય યોજનાના નામે પ્રથમ તબક્કાના રોલઆઉટનું વડાપ્રધાને ઉદઘાટન કર્યું (નવા નામની પસંદગી નરેન્દ્રભાઇની હોઇ શકે છે). કુલ્લે, આખી યોજનામાં 66 કિલોવોટની 3500 કિલોમીટર લાંબી સર્કીટ સાથેની ટ્રાન્સમીશન લાઇન અને સંખ્યાબંધ નવા સબસ્ટેશન્સ સ્થપાશે. પ્રથમ તબક્કામાં દાહોદ, જુનાગઢ, ગીર સોમનાથના 1 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ છે. બીજા તબક્કામાં 1.90 લાખ ખેડૂતોને આ લાભ મળતો થશે. લોકોને યોજનાનો લાભ મળે પછી એ જતાવવાનું પણ હોય છે કે આ અમારી સરકાર થકી થયું છે. મુખ્યમંત્રી આ માટે બાયડ, તીલકવાડા, લુણાવાડામાં સભાઓ કરી રહ્યા છે. સભાઓની સ્થળ પસંદગી દેખીતી જ રીતે અલબત્ત આવનારી સ્થાનિક ચૂંટણીઓની જરુરિયાતોના આધારે કરવામાં આવી છે. ભાજપ પાસે આનું મેપીંગ બહુ જ સરસ તૈયાર હોય છે. અને લોકાર્પણોના કાર્યક્રમો તાલુકા સ્તરે પણ લઇ જવાયા છે. જેમ કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર જિલ્લાના ગામમાં લોકાર્પણ કરશે તો છોટાઉદેપુરમાં રાજયકક્ષાના મંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ, તા. ૧૫/૦૧/૨૦૨૧એ બોડેલીમાં રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, ૧૬/૦૧/૨૦૨૧એ સંખેડામાં રાજયકક્ષાના મંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ અને તા. ૧૭/૦૧/૨૦૨૧એ કવાંટ ખાતે સાંસદ ગીતાબેન રાઠવા કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરશે. કામ કરીને કામના આધારે મત માંગવામાં અને મેળવવામાં કંઇ ખોટું પણ નથી.

Related Stories

Recent Stories