નિરાકરણનો નવો માર્ગ

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

વરિષ્ઠ પત્રકાર અને રાજકિય સમીક્ષક વિદ્યુત ઠાકરે વાતચીતમાં મને એક વખત એક વિદેશી કહેવત કહી હતી કે બે ફકીર એક ફાટેલી રજાઇ ઓઢીને ઉંંઘી શકે પરંતુ બે રાજા એક સિંહાસન ન વહેંચી શકે. ગુજરાતમાં વિજય રુપાણીની મુખ્યમંત્રી અને નીતિન પટેલની નાયબ મુખ્યમંત્રી બન્યા, પછી નીતિન પટેલે તેમને નાણા ખાતું ન મળવાથી જાહેર નારાજગી પ્રગટ કરી ત્યારે એ વિષયે ચિંતા થવી સ્વાભાવિક હતી કે આ બેઉ જણાનું જોડું કેવુંક ચાલશે. પરંતુ બેઉ જણાને દાદ આપવી પડે કે ક્યાંય બેઉ વચ્ચે મતભેદ-મનભેદ કે તડાફડીના કોઇ પ્રમાણ જાહેરમાં આવ્યા નથી. કલ્પના કરો કે બેઉ વચ્ચે ગજગ્રાહ અને કજિયો ચાલતો રહેતો હોત તો વિરોધીઓને કેવું ફાવતું જડત. પરંતુ ઉલટો ગુજરાતને ડબલ એન્જિન જેવો અનુભવ થતો આવ્યો છે. કોરોનાવાઇરસની સ્થિતિમાં બેઉએ લગભગ રોજેરોજ સાંજે સાથે બેઠક કરી છે અને અધિકારીઓની તથા બીજા મંત્રીઓની હાજરીમાં સામૂહિક નિર્ણયો લીધા છે. માનવગત સ્વભાવની દ્રષ્ટિએ આ બેલેન્સીંગ કપરું છે, અને ગાંધીનગરમાં વિવિધ ગુસપુસ ચાલ્યા કરતી હોય છે, પરંતુ શિસ્ત જળવાતી જ હશે કારણકે કોઇ પ્રમાણ મળતા નથી અને જાહેરમાં અણસાર પણ નથી આવતા. તાજેતરમાં વ્યક્તિત્વની દ્રષ્ટિએ સ્ટ્રોન્ગ એવા ત્રીજા મહારથી પણ ગાંધીનગર શિફ્ટ થયા છે. નવસારીના સાંસદ સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા પછી ગાંધીનગર વસે છે અને વિવિધ પ્રશ્નો વિશે તેમને પણ રજૂઆતો મળે છે. ગઇકાલે ગુજરાત સરકારે સિત્તેર હજાર ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓને લાભ થાય તેવી ફાજલ રક્ષણની જાહેરાત કરી, પછી સીઆર પાટીલે જાહેર કર્યું કે ફાજલ રક્ષણ અંગે તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે તે અંગે રજૂઆત મુખ્યમંત્રીને મોડી રાત્રે કરી હતી. બીજા જ દિવસે આ પ્રશ્નનું મુખ્યમંત્રીએ નિરાકરણ કર્યું છે. પાટીલની આ જાહેરાત પછી સરકારને લગતા વિવિધ વિષયો પર તેમની સમક્ષ રજૂઆતો વધવાની છે. અને તેઓ પણ પોતાના સાંસદકાળથી જાણીતા સ્વભાવ અને કાર્યશૈલી અનુસાર યોગ્ય રજૂઆતોને ફીલ્ટર કરી આગળ સરકાર સુધી પહોંચાડવાના છે. સંવાદિતા, સ્પષ્ટતા, સુલેહ અને સંતુલન આ જ રીતે જળવાય તો શક્તિનો આ સમન્વય સરકાર, ભાજપ અને લોકો માટે લાભકારી ઉપક્રમ છે. નીતિન પટેલ ઉત્તર ગુજરાતથી આવે છે, પાટીલ દક્ષિણ ગુજરાતથી અને રુપાણી સૌરાષ્ટ્ર-કચ્છથી. જેને જ્યાં અનૂકૂળ લાગતું હોય ત્યાં રજૂઆત કરે, અને તે માર્ગે યોગ્ય રજૂઆતોનું નિરાકરણ આવે, અને અયોગ્ય ચીજોમાં કોઇ હાથ ન નાંખે.