ગરમ ગુજરાતમાં ઠંડા પ્રદેશના ફળ સફરજનની ખેતીનો અનૂઠો પ્રયોગ
June 02, 2021
કરજણ, મધ્ય ગુજરાતઃ સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા ૨૨૦ જેટલા છોડ ઉછરીને ૫ થી ૭ ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા છે. તેમણે ૨૦૧૯ ના જાન્યુઆરી મહિનામાં આ હિમાલયના વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કર્યું હતું.
જો કે રેફ્રીજરેટર જેવા ઠંડા વાતાવરણ વાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત ૧૮ રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયાં વગર આ સફરજન ઉગાડયાં છે અને તેમનાથી પ્રેરાઈ ને ગીરીશભાઈ એ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે.
ગીરીશભાઈએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુર ની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી! આમ,એમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા.
વાવેતરના બીજા વર્ષે એટલે કે ૨૦૨૦ માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો.
જો કે સલાહકાર સંસ્થા એ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગીરીશભાઈને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી.
હવે ૨૦૨૨ માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે.એટલે સિમલાના સફરજન ખાનારા વડોદરાવાસીઓ હવે વેમારના સફરજન ખાવા તૈયાર રહે.
હરમન ૯૯ પ્રકારની આ વરાયટીના સફરજન રંગે પીળા – ગુલાબી અને ખટ મધુરા હોય છે.
તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.૩૦૦ ના ભાવે ૩૦૦ છોડ વાવેતર માટે ખરીદ્યા હતા.કાઢી નાખવામાં આવેલી નીલગીરીની જગ્યાએ તેનું વાવેતર કર્યું.
૮૦ જેટલાં છોડ બગડી જતા સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું કે છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે.આ પાક મોટેભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી,થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો.પરિણામે આજે ૨૨૦ જેટલા છોડ ઉછરી રહ્યાં છે.
રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી છે.
મૂળ ખેડૂત એવા ગીરીશભાઈ પટેલનો પરિવાર કરજણમાં સ્ટેશનરીનો જામેલો વ્યાપાર ધરાવે છે.તો પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે.અન્ય ખેડૂતો બાપિકી જમીનો વેચી રોકડી કરી રહ્યાં છે તેવા સમયે તેમણે વહેંચણીમાં ભાગે આવેલી ૧૮ વિંઘા જમીન વધારી ને ૨૨ વીંઘા કરી છે.
તેઓ એ ૩૦૦ આંબાનું કેસર કેરીનું આંબાવાડિયું કર્યું છે.છેક ૨૦૦૩ થી નીલગીરીની સફળ ખેતી કરી છે.ગુલાબી જામફળ ઉછેર્યા છે જેનો પહેલો પાક આ વર્ષે મળશે.
તેઓ કહે છે કે હું કપાસ,દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતો જ નથી.મારા ખેતરોમાં ઝાડવા જ છે.એટલે કે તેઓ વૃક્ષ ખેતી જ કરે છે.તેમનું કહેવું છે કે વાડીની ખેતી પરંપરાગત ખેતી જેટલી જ લાભદાયક છે અને જહેમત ઓછી છે.
ગીરીશભાઈની કૃષિ સાહસિકતા ને લીધે વડોદરાને વેમારના સફરજન ખાવા મળશે.કદાચ એ સિમલાના સફરજન જેવા મોટા અને ડીલીસિયસ ભલે ના હોય પણ આપણા વિસ્તારમાં અને આપણી જમીનમાં ઉગેલા ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે.
Recent Stories
- Nearly 40,000 pre-primary schools in Gujarat shut to protest new registration guidelines
- One held at Ahmedabad airport for smoking on Delhi-Ahmedabad flight
- Smritivan Earthquake Memorial of Kutch Awarded at UNESCO's 2024 Prix Versailles
- Khel Mahakumbh 3.0 to be held from 5th Dec 2024 to 31st Mar 2025 in Gujarat
- Explosion at Detox India Pvt. Ltd. in Ankleshwar claims four lives
- Flying knives: Surat youth dies after kite string slashes his throat on overbridge
- IFFCO starts exporting Nano Urea to Sri Lanka, Nepal, Bhutan, and Brazil