વાયનાડની રાહુલ ગાંધીની ઑફિસમાં હુમલા કેસમાં કોંગ્રેસના જ ચાર કાર્યકરોની ધરપકડ

નવી દિલ્હીઃ કેરળમાં વાયનાડસ્થિત રાહુલ ગાંધીની ઑફિસમાં થોડા સમય પહેલાં થયેલા હુમલામાં ગાંધીજીના ફોટાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જૂન મહિનામાં થયેલા આ હુમલાના કેસમાં આજે લગભગ બે મહિને રાહુલ ગાંધીની જ ઑફિસના સ્ટાફના સભ્યો સહિત કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યાંની તેમની ઑફિસમાં ગત 24 જૂને હુમલો થયો હતો. હુમલા બાદ તરત કેરળ કોંગ્રેસ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે, આ હુમલો એસએફઆઈના કાર્યકરોએ કર્યો હતો અને ગાંધીજીના ફોટાની તોડફોડ કરી હતી.

કેરળ કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે ત્યારે અલગ અલગ સંભાવનાઓ દર્શાવીને આખી ઘટના માટે એસએફઆઈ-ને જવાબદાર ઠેરવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, એસએફઆઈના કાર્યકરો તેમના પક્ષના ઝંડા સાથે રાહુલ ગાંધીની ઑફિસની કમ્પાઉન્ડ વૉલ કૂદીને ધસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી.

જોકે, આ કેસમાં બે મહિનાની તપાસ બાદ પોલીસે કોંગ્રેસના જ ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. પકડાયેલા કોંગ્રેસના આ ચાર કાર્યકરોમાં રાહુલ ગાંધીની ઑફિસના સ્ટાફના સભ્યો હોવાનું પણ એનએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દેશ ગુજરાત

 

તાજેતર ના લેખો