યુપીએ શાસનમાં ભારતની આર્થિક પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતીઃ નારાયણ મૂર્તિ

અમદાવાદઃ   વ્યક્તિગત રીતે મનમોહન સિંહ સારા વ્યક્તિ છે પરંતુ તેમના શાસનકાળ દરમિયાન ભારતની આર્થિક પ્રગતિ સ્થગિત થઈ ગઈ હતી એ પણ એટલું જ સાચું છે તેમ ઈન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું.

આઈઆઈએમ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ તથા યુવાન ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરતા નારાયણ મૂર્તિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની વર્તમાન યુવા પેઢી ચીનની સામે સ્પર્ધા કરવા સક્ષમ છે.

ભારતના અર્થતંત્રની સ્થગિતતા વિશે પોતાનો અનુભવ શૅર કરતા નારાયણ મૂર્તિએ કહ્યું કે, લંડનમાં હું એચએસબીસીના બોર્ડમાં હતો (2008થી 2012) ત્યારે બોર્ડરૂમમાં ચીનનો ઉલ્લેખ ઘણી વાર થતો, પરંતુ ભારતનો ઉલ્લેખ માંડ એકાદ વખત થતો. પરંતુ તમે બધા જાણો છો કે કમનસીબે ત્યાર પછી શું થયું. વ્યક્તિગત રીતે મને મનમોહન સિંહ પ્રત્યે માન છે, પરંતુ તેમના શાસનકાળ દરમિયાન ભારત સ્થગિત થઈ ગયું. યુપીએના શાસન દરમિયાન દરેક નિર્ણયો લેવામાં વિલંબ થતો હતો.

આઈટી ક્ષેત્રના આ અગ્રણી ઉદ્યોગપતિએ કહ્યું કે, 2012માં તેમણે એચએસબીસી છોડ્યું ત્યારે બોર્ડની મીટિંગમાં ચીનનો ઉલ્લેખ ત્રીસેક વખત થતો પરંતુ ભારતનો ઉલ્લેખ સદંતર બંધ થઈ ગયો હતો.

તેમણે કહ્યું કે, વર્તમાન શાસન હેઠળ ફરીથી દેશને દુનિયામાં માનભર્યું સ્થાન મળી રહ્યું છે. સાથે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે વર્તમાન યુવાનો તેમજ ઉદ્યોગ સાહસિકો તેમની મહેનત અને સફળતાથી ભારતને વધુ ઊંચાઈએ લઈ જશે.

આ સંદર્ભમાં નારાયણ મૂર્તિએ કહ્યું કે, દરેક આંતરરાષ્ટ્રીય મંચ ઉપર જ્યારે પણ ચીન સહિત વિકસિત દેશોનો ઉલ્લેખ થાય ત્યારે ભારતનો પણ ઉલ્લેખ થવો જોઇએ, તો જ આપણે સાચી પ્રગતિ કરી ગણાય.

ભારત હવે દુનિયાની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બની ગયું છે ત્યારે હવે આપણા યુવાનો તેને વધુ સક્ષમ બનાવીને આ સ્થાન ટકાવી રાખશે એટલું જ નહીં પરંતુ દેશને હજુ ઊંચા સ્થાને લઈ જશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો