કેનેડામાં હવેથી પ્રત્યેક નવેમ્બર “હિન્દુ હેરિટેજ મહિનો” તરીકે ઉજવાશે

  • — ભારતીય સાંસદ ચંદ્ર આર્ય દ્વારા દાખલ કરવામાં આવેલો આ અંગેનો પ્રાઇવેટ મેમ્બર ખરડો સર્વાનુમતે પસાર

ઓટ્ટાવાઃ  કેનેડામાં હવેથી દર વર્ષે નવેમ્બર મહિનાને હિન્દુ હેરિટેજ મહિના તરીકે ઉજવવામાં આવશે. આ અંગેનો ખરડો કેનેડાના ભારતીય સંસદસભ્ય ચંદ્ર આર્યે રજૂ કર્યો હતો જેને કેનેડાની સંસદે સર્વાનુમતે બહાલી આપી છે.

પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શૅર કરતા ચંદ્ર આર્યે લખ્યું – “ઐતિહાસિકઃ પ્રત્યેક વર્ષે નવેમ્બરને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કરવા અંગે મારા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાઇવેટ મેમ્બર્સ મોશનને હાઉસ ઑફ કોમન્સ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી માગણી હતી કે આપણા દેશમાં (કેનેડામાં) હિન્દુ-કેનેડિયન સમુદાય દ્વારા હિન્દુ વારસાના જતન માટે કરવામાં આવેલી કામગીરીની કદર કરવામાં આવે.

“હું આશા રાખું છું કે, આને કારણે હિન્દુ-કેનેડિયન સમુદાયને કેનેડામાં પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન મળશે અને તેઓ કેનેડિયન સમાજ/જીવનના પ્રત્યેક સ્તરે વધુને વધુ ઊંચાઈએ પહોંચશેઃ જેમ કે અર્થતંત્ર કે બિઝનેસ, શિક્ષણ કે સંસ્કૃતિ, રાજકારણ કે સેવાકાર્યો.”

ચંદ્ર આર્યે પોતે આ સંદર્ભે કેનેડિયન સંસદમાં આપેલા પ્રવચન પણ પોતાના હેન્ડલ પર શૅર કર્યું છે.

ભારતીય હિન્દુ સાંસદ ચંદ્ર આર્યે પોતાનો ખરડો આ વર્ષે મે મહિનામાં કેનેડાની સંસદમાં દાખલ કર્યો હતો (https://www.ourcommons.ca/DocumentViewer/en/44-1/house/sitting-62/hansard ) જેને કેનેડિયન સંસદે ગઇકાલે સર્વાનુમતે પસાર કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો