૬ર નગરપાલિકાઓમાં રોડ રિસરફેસીંગ માટે ૯૭ કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગરઃ   રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રૂ. ૯૭ કરોડ પ૦ લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાત્ત અભિગમથી તેમણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આવી ૬ર નગરપાલિકાઓના રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
તદઅનુસાર, અમદાવાદ પ્રદેશની ૮ નગરપાલિકાઓને ૮ કરોડ ૮૬ લાખ, વડોદરા પ્રદેશની ૧ર નગરપાલિકાઓને રૂ. ૧૦ કરોડ, સુરત પ્રદેશની ૧૦ નગરપાલિકાઓ માટે ૧૬ કરોડ ૩૦ લાખ, રાજકોટ આર.સી.એમ હસ્તકની ૧પ નગરપાલિકાઓ માટે ૪પ કરોડ ૩૯ લાખ, ભાવનગર પ્રદેશની ૧૩ નગરપાલિકાઓને ૧પ કરોડ ૧ લાખ તેમજ ગાંધીનગરની ૪ નગરપાલિકાઓને રૂ. ૧ કરોડ ૮૬ લાખની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.

રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન નગરોના માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત માટે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ૧પ૬ નગરપાલિકાઓને કુલ ૯૯.૬૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. હવે નગરપાલિકાઓમાં રસ્તાઓને થયેલા ખરેખર નુકશાનની વિગતો મેળવીને ૬ર નગરપાલિકાઓ માટે વધારાની કુલ ૯૭.પ૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો