કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણી જોગવાઇ કરાઇ

ગાંધીનગરઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના બહોળા ખેડૂત સમૂદાયની માંગને ધ્યાને લઈ આગામી વર્ષ માટે ૭૫,૦૦૦થી વધુ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.૩૭૫ કરોડની અને ફાર્મ મશિનરી માટે ૬૮,૦૦૦ જેટલા ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.૨૪૦ કરોડની જોગવાઈ મળી કુલ રૂ.૬૧૫ કરોડની માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની ગત વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે ત્રણ ગણી રૂ.૨૧,૬૦૪ કરોડ બજેટ જોગવાઇ સૂચવવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભુંડ જેવા જંગલી પશુઓથી થતા નુકશાન સામે રક્ષણ આપવા હેતુ ગત વર્ષની જોગવાઈ રૂ. ૧૨૦ કરોડ સામે આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે સાડા ત્રણ ગણો વધારો કરી, એટલે કે રૂ.૪૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે. જેમાં કાંટાળા તારની વાડ બનાવવા રૂ.૩૫૦ કરોડની જોગવાઈ કરી, ક્લસ્ટરમાં વિસ્તારની મર્યાદામાં પણ પાંચ હેક્ટરના સ્થાને એક હેકટર ક્લસ્ટર વિસ્તાર કરવા માટે સંકલ્પ કર્યો છે. વિશેષમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી કરનારને સહાય હેતુ રૂ. ૫૦ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યની અર્થવ્યવસ્થામાં કૃષિનો નોંધપાત્ર હિસ્સો છે ત્યારે ગુજરાત સરકારની ખેડૂત કેન્દ્રિત નીતિઓ અને તેનુ અમલીકરણ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યુ છે. છેલ્લા બે દાયકાઓમાં રાજ્ય સરકારે અનેક નીતિવિષયક નિર્ણયો લીધા છે જેના થકી કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યોદ્યોગને લગત ઉદ્યોગો મજબૂત બન્યા છે. જેના પરિણામે આ ક્ષેત્રમાં વ્યાપાર, રોજગારની અનેકવિધ તકો ઉભી થઇ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિની ઉન્નતિ થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ખેડૂતોની આવક બમણી કરવા માટે કરેલા આહવાનને અનુસરતા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને તેને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે વિશેષ રસ દાખવી રાજ્યના ખેડૂત અને ખેતીને ઉન્નત બનાવવા તમામ પાસાઓ પર વિચારણા કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. જેમાં આવનારા ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેને અનુરૂપ ખેતીને આધુનિક બનાવવા આગામી નાણાકીય વર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી નવી પહેલના ભાગરૂપે સ્માર્ટ ફાર્મીગની યોજના, ટ્રેનીંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM), ઇન્ડેક્ષ્ટ-એની સ્થાપના, રાજયમાં મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા ખેડૂતોને મીલેટ્સની ખેતી માટે પ્રોત્સાહન આપવા અને પ્રચાર પ્રસાર માટે નવી બાબત રજૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતો બાજરી પાકનું ઉત્પાદન કરે તે માટે પ્રોત્સાહનરૂપે ક્વીન્ટલ દીઠ રૂ.૩૦૦ની બોનસ સહાય ચૂકવવાનું આયોજન કર્યુ છે.

તાજેતર ના લેખો