સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ પૈકી ૯૫ જળાશયનું જોડાણ સંપન્ન: જળ સંપત્તિ રાજ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના ત્રણ મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજના નો શુભારંભ કર્યો હતો એ આજે ખેડૂતો-નાગરિકો માટે સાચા અર્થમાં આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે.

આજે વિધાનસભા ખાતે સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે,નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે ૯,૩૭૧ કી. મી પાઇપલાઇનના કામો માટે મંજુરી આપવામાં આવી છે એ માટે રૂપિયા ૧૬,૭૨૧ કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ ૧,૨૯૮ કી.મી ની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે ૭૩ કિલોમીટર લંબાઈની પાઇપલાઇનના  કામો બાકી છે જે સત્વરે પૂર્ણ કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું જે પૈકી ૯૫ જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા ૨૦ જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્રમાં આ યોજના થકી ૧૧ જિલ્લાના ૯૭૨ ગામોના આશરે ૮.૨૫ લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા ૩૧ શહેર અને ૭૩૭ ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ ૨૫ મુખ્ય પંપીંગ સ્ટેશન ૮ ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ ૩૩ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ ત્રણ મિલિયન એકર ફીટ વધારાનું વહી જતું પાણી ખેડૂતો – નાગરિકોને પીવાના પાણી – સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.જેમાં એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને,એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ ૯ જાળાશયો અને ૧૭ તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે ૧ મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટે ના કામો હાથ ધરાશે તેમણે ઉમેર્યું હતું.

તાજેતર ના લેખો