ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ દ્વારા 4200 એમ.એલ.ડી. પાણીનું દૈનિક વિતરણ: પ્રવક્તા મંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણી અંગેના આયોજનની પત્રકાર મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પુરતું આગોતરું આયોજન કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નર્મદા આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત ૩,૧૦૦ એમ.એલ.ડી. પાણીનું જ્યારે નર્મદા સિવાયના અન્ય સરફેસ સ્ત્રોત આધારિત જુથ યોજનાઓમાં ૧,૧૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં આવેલ જળાશયો પૈકી ૭૨ જળાશયો આધારિત પાણી પુરવઠાની જુથ યોજનાઓ કાર્યરત છે. આ તમામ જળાશયોમાં આગામી ઉનાળા દરમ્યાન ચાલે તેટલું પુરતું પાણી ઉપલબ્ધ છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ નોંધાવા માટે ૨૪x૭ ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ કુલ ૧૩,૭૨૨ ફરિયાદો પૈકી ૧૨,૬૫૩ ફરિયાદોનો નિકાલ જ્યારે ૧,૦૬૯ ફરિયાદોના નિવારણની કામગીરી પ્રગતિ હેઠળ છે. દરિયા કાંઠાના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું ૧૮૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ શરેરાશ ૨,૦૦૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે આગામી ઉનાળામાં જરૂરિયાત મુજબ ૨,૨૦૦ થી ૨,૩૦૦ એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબ વેલ સારવામાં આવ્યા છે તેમજ ૪૩૨ નવીન મિનિ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ નવીન ૨૦૦ ડી.આર. બોર તથા ૩,૦૦૦ જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇને હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે ૧૪ જિલ્લાઓમાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિસ્તારના ૨૧,૦૦૦ ફળિયાઓમાં વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૫,૦૦૦ ફળિયાઓની યોજનાઓ કાર્યરત છે, જયારે ૩,૦૦૦ જેટલી યોજનાઓમાં પાણીના સ્તર ઊંડા જવાના કારણે મુશ્કેલી વર્તાય છે જે આગામી ચોમાસા દરમ્યાન ચાલુ કરી શકાશે તથા બાકી રહેતા ૬,૦૦૦ ફળિયાઓની યોજનાની વેરીફિકેશનની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. આદિજાતિ વિસ્તારમાં યોજનાના સંચાલન દરમ્યાન લિકેજના પ્રશ્નોના નિરાકરણ અર્થે વાસ્મો દ્વારા એજન્સી નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી આગામી ૧૮ માસ સુધી આદિજાતિ વિસ્તારની આંતરિક યોજનામાં થનાર લિકેજનું રીપેરીંગ વાસ્મો દ્વારા કરવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં ઓપરેટરના અભાવે હાલમાં બંધ યોજનાઓ પુનઃ કાર્યરત કરવા વિકાસ કમિશનર દ્વારા ૧૫ મા નાણાં પંચના બજેટમાં માસિક રૂ. ૧૦,૦૦૦/- ની એક્ટીવીટી ગામની પાણીની યોજનાના સંચાલન પેટે ઉમેરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના ઓપરેટર પાસે તાંત્રિક ક્ષમતાનો અભાવ હોવાથી યોજના સંચાલન અર્થે વાસ્મો દ્વારા જરૂરી તાલીમ આઇ.ટી.આઇ. દ્વારા યોજવામાં આવી છે.

તાજેતર ના લેખો