અંબાલાલ સારાભાઇએ સાહીઠ રખડતા કૂતરા મરાવી નાંખ્યા તેનું મહાત્મા ગાંધીએ સમર્થન કર્યું હતું
August 15, 2025
જપન પાઠક, ગાંધીનગર – સુપ્રીમ કોર્ટે તેના યશસ્વી હુકમમાં દિલ્હી એનસીઆર વિસ્તારમાંથી રખડતાં કૂતરા દૂર કરીને તેમને આ વિસ્તાર બહાર કોઇ શેલ્ટર ઉભું કરીને તેમાં જ રાખવાનું કહ્યું છે. આ પ્રક્રિયા આઠ અઠવાડિયામાં જ શરુ કરી દેવાનો સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે નિર્દેશ આપ્યો છે. મામલો ત્રણ જજોની બેન્ચમાં ગયો છે અને ચુકાદો અનામત રખાયો છે. આ સંદર્ભમાં દેશભરમાં રખડતાં કૂતરાંઓના ઘણા વખતથી લોકો સહન કરી રહ્યા છે તેવા ત્રાસ અંગે ચર્ચા શરુ થઇ છે, તો કેટલાક કૂતરાંપ્રેમીઓ વિતંડાવાદ રચી રહ્યા છે.
આવામાં એ જાણવું રસપ્રદ રહેશે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 1926માં નવજીવન અખબારમાં તેમની ત્રણ લેખની લેખમાળામાં રખડતાં કૂતરાંઓની વિરુદ્ધમાં પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા.
મામલો એવો હતો કે અમદાવાદની કેલિકો મીલના શેઠ શ્રી અંબાલાલ સારાભાઇએ મિલમાં લગભગ સાહીઠ કૂતરાઓને ગોળીબારથી મરાવી નાંખ્યા હતા. પછી અમદાવાદ જીવદયાપ્રચારિણી મહાસભાના ત્રણ સભ્યોએ 28 સપ્ટેમ્બર 1926ના દિવસે મિલમાં શેઠ સારાભાઇની મુલાકાત લીધી અને અંબાલાલ સારાભાઇએ સ્વીકાર્યું હતું કે એક હડકાયું કૂતરું બીજા સારાં કૂતરાંઓને કરડયું તેથી માણસોની સલામતિ ખાતર તેમણે કૂતરાઓને મારી નંખાવાનું કૃત્ય કર્યું પરંતુ તે રાત્રે તેમને પણ ઉંઘ આવી ન હતી. અંબાલાલભાઇએ આ વાત મહાત્મા ગાંધીને પણ જણાવી હતી અને મહાત્મા ગાંધીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે આ સિવાય બીજું થઇ પણ શું શકે? તે જ ગાળામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કૂતરાંઓને ખસી કરવાનો પણ નિર્ણય લીધો હતો. જીવદયાપ્રચારિણી મહાસભાએ એક પત્ર દ્વારા મહાત્મા ગાંધીને આ બધી બાબતોમાં તેમના વિચાર પ્રગટ કરવા માટે પત્ર લખ્યો.
મહાત્મા ગાંધીએ આ મામલે નવજીવન અખબારમાં તેમના પ્રથમ લેખમાં સ્પષ્ટ રીતે લખ્યું કે – હડકાયાં કૂતરાંને મારી નાંખ્યા સિવાય આપણ અપૂર્ણ મનુષ્યની પાસે ઉપાય જ નથી. ખૂન કરતા માણસને પણ મારવાનું ધર્મસંકટ કેટલીક વાર અનિવાર્ય થઇ પડે છે. જો આપણાં શહેરોમાં રખડતાં કૂતરાંને રાખવાની આપણે હઠ લઇએ તો આપણે તેઓને ક્યાં તો ખસી કરવાં પડશે અથવા મારી નાંખવા પડશે. ખાસ કૂતરાંની પાંજરાપોળ રાખવી એ ત્રીજો ઉપાય છે. પણ તે ઉપાય તો નથી જ એમ કહેવાય કારણકે બધી રખડતી ગાય ભેંસોને પણ આપણે પૂરા નથી પડતા ત્યાં કૂતરાંને સારુ પાંજરાપોળ કરવાનો વિચાર મને તો ભયંકર લાગે છે.
ગાંધીજીએ વધુમાં લખ્યું કે – હડકાયાં કૂતરાંનો નાશ કરવો એ ઓછામાં ઓછી હિંસા છે. ગૃહસ્થાશ્રમી શહેરી કે જેની પાસે શહેરરક્ષણનો અને બાળરક્ષણનો ધર્મ પડયો છે, જેનામાં મુનિનો આદર્શ ગુણ નથી, પણ જેનામાં હડકાયાં કૂતરાને મારી નાંખવાની શક્તિ છે, તે શું કરે? મારે છે તો પાપ કરે છે, નથી મારતો તો મહાપાપ કરે છે. તે હડકાયાં કૂરતાંને મારવાનું પ્રમાણમાં અલ્પ પાપ કરી મહાન પાપમાંથી બચે છે.
જો કે માત્ર હડકાયાં કૂતરાં જ નહીં ગાંધીજીએ તેમની લેખમાળામાં રખડતાં કૂતરાં માત્ર વિશે પણ પોતાના સખ્ત વિચારો પ્રગટ કર્યા હતા.
તેમણે લખ્યું હતું કે મહાજને રખડતાં કૂતરાં જ ન રહેવા દેવાં જોઇએ. રખડતાં કૂતરાંને ખાવાનું દેવામાં પાપ છે, અને પાપ મનાવું જોઇએ. રખડતાં કૂતરાંને મારવાનો કાયદો કરીએ તો હજારો કૂતરાંના જાન બચાવીએ. રખડતાં કૂતરાંને ખાવાનું આપનાર દંડ કબૂલ કરે તો પણ કૂતરાંનો ઉપદ્રવ મટે.
ગાંધીજી લખે છે કે – જીવદયા એ આત્માનો એક મહાન ગુણ છે. થોડી કીડીઓને કે થોડાં માછલાંને કે થોડાં કૂતરાંને બચાવવામાં તેની સમાપ્તિ નથી થતી. તેમાં પાપ પણ હોય. મારે ત્યાં કીડીનો ઉપદ્રવ થાય તેનું કિડીયારું પૂરવા નીકળનાર દાની પાપ કરશે. કીડીનો તો ઇશ્વર પણ કણ આપશે. પણ કીડીયારું પૂરનાર મારો ને મારા કુટુંબનો નાશ કરે એવું સંભવે. મહાજન કૂતરાંને પાંજરામાં પૂરી, મારા ખેતર પાસે તેને મૂૂકી જતાં ભલે પોતે સુરક્ષિત બને ને કૂતરાંને પણ બચાવ્યાં એમ માને, પણ તે મારા જાનને જોખમમાં નાંખવાનું વધારે મોટું પાપ વહોરશે.
ગાંધીજીનું માનવું હતું કે જીવદયામાં વિચાર, વિવેક, ઉદારતા, અભય, નમ્રતા અને શુદ્ધ જ્ઞાનની જરુર છે.
ગાંધીજીએ આ વિચારો નવજીવન અખબારમાં – આ તે જીવદયા – મથાળા હેઠળના લેખમાં વ્યક્ત કર્યા પછી તેમના પર રોષના કાગળો આવવાના શરુ થયા. ત્રણ ભાઇઓએ તો તેમના રાતના માંડ શાંતિ લેવાના સમયમાં ભંગ પાડીને અહિંસાની ચર્ચા શરુ કરી.
ગાંધીજી લખે છે કે તેમાંના એક ભાઇમાં તો ક્રોધ, કટુતા અને સાહસ દેખાયા. તે ભાઇ જાણે શિક્ષા દેવા આવ્યા હતા.
ગાંધીજી લખે છે કે કૂતરાંની વૃદ્ધિ અનાવશ્યક છે. રખડતું કૂતરું સમાજને માટે હાનિકારક છે ને તેમની મોટી સંખ્યા સમાજની હસ્તીને જોખમમાં લેશે. કૂતરાંને શહેરમાં કે ગામડામાં સુખે રાખવાં હોય તો એક પણ રખડતું કૂતરું ન રહેવું જોઇએ. જેમ ગાય ભેંસ માત્ર પાળેલાં જ જોવામાં આવે છે તેમ કૂતરાં પણ પાળેલાં જ હોવા જોઇએ. જીવદયા મંડળોએ આવા સવાલોનો ધાર્મિક નિર્ણય કરવો જોઇએ. રખડતાં કૂતરાં પાળી શકાય અને જો ન પળાય તો તેની પાંજરાપોળ બનાવાય, બેમાંથી એક પણ વસ્તુ ન બને તો તેમના મારવા સિવાય બીજો ઉપાય હું જોતો નથી તેમ ગાંધીજીએ લખ્યું હતું.
ગાંધીજી તેમની લેખમાળામાં વિવિધ પત્રોના ઉત્તર આપવાના ક્રમમાં લખે છે કે – આપણે આંખ મીંચીને જોયું ન જોયું કરીએ એમાં અહિંસા નથી, વિચાર નથી, વિવેક નથી. જ્યારે જ્યારે કૂતરાંનો ઉપદ્રવ થાય ત્યારે તે મનુષ્યને હાથે મરવાનાં જ. ગૃહસ્થધર્મમાં એ હું અનિવાર્ય સમજંુ છું. તે હડકાયાં થાય ત્યાં લગી રાહ જોવામાં તેની ઉપર દયા થતી નથી. રઝળતાં કૂતરાંને ટુકડો રોટલો કે એંઠવાડ આપી આપણે કૂતરાંની જાતિનો દ્રોહ કરીએ છીએ ને આપણા પાડોશીઓની હિંસા કરીએ છીએ.
જો આપણે શુદ્ધ જીવદયા ધર્મ પાળવા માંગતા હોઇએ તો એવો કાયદો થવો જોઇએ કે જેઓ કૂતરાંની માલિકી ધરાવતા હોય તેઓએ તેમને પોતાના કબજામાં લઇ લેવાં ને જે કૂતરાં અમુક મુદત પછી રખડતાં જોવામાં આવશે તેમને મારી નાંખવામાં આવશે. મહાજન જો ખરેખર કૂતરાંની દયા ખાતા હોય તો તેમણે કૂતરાનો કબજો લઇ જેઓ પાળવા માંગે તેમને વહેંચી દેવા જોઇએ. કૂતરાંને ગાયોની જેમ સાચવવાં મને તો અશક્ય લાગે છે.
ગાંધીજીના આ વિચારો નવજીવન અખબારમાં વાંચીને એક ભાઇ ગાંધીજીને કવખતે મળવા આવ્યા અને કડવા વેણ ગાંધીજીને સંભળાવ્યા તથા ક્રોધ પણ ઠાલવ્યો. ગાંધીજીએ તેમને વિનોદપૂર્વક જવાબ આપ્યા. આની પેલા ભાઇએ પત્રિકા છપાવી દીધી. ગાંધીજી લખે છે કે આ પત્રિકામાં પેલા ભાઇ સત્યની મર્યાદા પણ ઓળંગી ગયા. ગાંધીજી નોંધે છે કે આ સંવાદ છાપવા માટે તેમની રજા પણ લેવાઇ ન હતી.
ગાંધીજી નોંધે છે કે રખડતાં કૂતરાંને ખાવાનું આપવામાં પાપ છે અને તેમાં કૂતરાં પ્રત્યે ખોટી દયા છે. રખડતાં કૂતરાં સમાજની સભ્યતાની કે દયાની નિશાની નથી, પણ સમાજના અજ્ઞાનની અને સમાજની આળસની નિશાની છે. રખડતાં કૂતરાં ઉંચેથી ઉતરતાં નથી. તે સમાજની આળસની, શિથલતાની, અજ્ઞાનની નિશાનીહોય છે. એવાં કૂતરાંનો ઉપદ્રવ થાય તેમાં જ્ઞાનનો અને તેથી દયાનો અભાવ હોય છે. કોઇ રેઢિયાળ કૂતરાંનો રોટલો ન આપે તો તે ભાગી જાય.
ગાંધીજી કહે છે કે કૂતરાં હડકાયાં થવાની રાહ ન જ જોવાય એટલું મારે સ્પષ્ટ કરવું જોઇએ. રખડતૂે કૂતરુંમાત્ર હાનિકારક છે. તે ઉપદ્રવ શહેરોમાં જ થાય છે ને તે અટકવો જોઇએ. સર્પના કરડવાની આપણે રાહ નથી જોતા. કૂતરું કરડે તેમાં જ હડકવા છુપાયેલ છે.
ગાંધીજીએ આ સાથે તે સમયે કૂતરાંના કરડવાના કિસ્સાના દર્દીઓનો અમદાવાદ શહેરમાંનો અને બાજુના ગામનાં દર્દીઓનો આંકડો પણ લેખમાં સમાવ્યો હતો. વર્ષ 1925માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના 194, બીજા ગામનાં 923 એમ કુલ 1117 અને વર્ષ 1926માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદના 295 અને બીજા ગામના 695 એમ કુલ 990 દર્દીઓએ કૂતરાના કરડવાની સારવાર લીધી હતી.
ગાંધીજી લખે છે કે આ સંખ્યા દરેક સમાજહિતેચ્છુને ચોંકાવનારી છે, અને તેમાંય દયાધર્મીને તો વિશેષ કરીને. ગાંધીજી લખે છે કે તેઓ જાણે છે કે જેટલા કરડે તેટલા હકડવાના કિસ્સા નથી હોતા, પણ કયા છે અને કયા નથી તે ઓળખવું બહુ મૂશ્કેલ છે. અને ઘણા કેસ હડકવાના સિદ્ધ થવાથી દહેશત ખાઇને લોકો હોસ્પિટલે દોડે છે. આ દહેશતમાંથી તેઓને મુક્ત કરવાનો એક જ ઇલાજ છે , તે એ કે રખડતાં કૂૂતરાં ન રહેવાં જોઇએ.
ગાંધીજી નોંધે છે કે આપણે આદર્શની ઉચ્ચતાથી સંતોષ પામીને અમલને વિષે મંદ અથવા આળસુ રહીએ છીએ. આપણે ઘોર તમસમાં ફસાયેલા દેખાઇએ છીએ. જુઓ આપણાં રેેઢિયાળ મનુષ્ય, ઢોર અને બીજાં પ્રાણી. એ ધર્મ નહિ પણ અધર્મની નિશાની છે.
ગાંધીજીએ કહ્યું હતું કે તેમને લાગે છે કે તેઓ આ વિષયને તટસ્થપણે વિચારી રહ્યા છે. તેઓ લખે છે કે મને હિંસાનો પક્ષપાત હોય જ નહીં અને મેં આપેલા અભિપ્રાયનોય પક્ષપાત નથી. મને પક્ષપાત સત્યનો જ છે , અને મારે અહિંસક માર્ગે જ સત્ય શોધવું છે.
અમુક સંજોગોમાં બીજા બધા ઇલાજો લેવાનું ન બની શકે ત્યારે કૂતરાંને મારવાનો ધર્મ અહિંસાની દ્રષ્ટિએ હોઇ શકે કે નહીં, હું માનું છું કે હોઇ શકે, અને આ વિષે બે મત ન હોય એમ હું હજું પણ માનું છું, તેમ ગાંધીજીએ લખ્યું હતું.
એક ભાઇએ ગાંધીજીને કહ્યું કે તમે તો કૂતરાંની જાતિની જડ ઉખેડવા માંગો છે, તો ગાંધીજી તેના જવાબમાં લખે છે કે મેં તો આવું ક્યાંય નથી કહ્યું. મારું કહેવું તો તે જાતિની રક્ષા અર્થે છે. મેં તો અમુક કૂતરાંને અમુક સંજોગોમાં મારી શકાય એટલું જ કહ્યું છે. આટલુંય કહેવમાં દોષ હોય એ જુદી વાત. પણ દલીલ તો એ મર્યાદિત વધના કથન ઉપર જ રચવી જોઇએ.
આશ્રમમાં રખડતાં કૂતરાંના પ્રશ્નનો ઉકેલ કેવી રીતે થઇ રહયો છે તે સમજાવી લેખમાળો અંત લાવતા ગાંધીજી લખે છે – આશ્રમમાં કૂતરાંનો પ્રશ્ન આશ્રમની ઉત્પત્તિથી જ ઉભો રહ્યો છે પરંતુ મહાજનની પ્રવૃત્તિથી તેનો ઉપદ્રવ વધી ગયો છે અને એ ઉપદ્રવ અત્યંત કષ્ટપૂર્વક સહન થઇ રહ્યો છે. હડકાયાં કૂતરાંનો વધ આશ્રમમાં થાય છે. અને એવા દાખલા દસ વર્ષમાં બે કે ત્રણ થયા હશે. આ સિવાય બીજાં કોઇ કૂતરાંને મારવામાં નથી આવ્યાં. તેમને જ્યાં ત્યાં ખાવાનું આપવાનું બંધ કર્યું છે અને એ નિયમનું સંપૂર્ણ પાલન થાય તો કૂતરાં તેમ જ અમે બધાં સુખી થઇએ એમ જોઉં છું. પણ તેનું પાલન સંપૂર્ણતાએ થઇ શકતું નથી. એકેએક આશ્રમવાસી તે સમજી શક્યા નથી, ને સમજ્યા છે તે બધા તે નિયમના પાાલનને વિષે પૂરા જાગ્રત નથી. વળી આશ્રમને અંગે રખાતા મજૂરો તો આ નિયમને શાના પાળે? કેટલાંક કૂતરાંને લાચાર થઇ પાળવાં પડે છે. એવી બે કૂતરીઓ તથા તેનાં બચ્ચાંઓનું પાલન અત્યારે થઇ રહ્યું છે. બચ્ચાંને સારુ ખાસ ગરમી મળે તેવી પેટી અથવા ટોપલી રાખવી પડી છે. તેમને દૂધ અપાય છે. મનાે સારુ ખાસ ખોરાક રંધાય છે. બીજી તરફથી રખડતાં કૂતરાંને લઇ જવાની મહાજનને વિનંતિ કરી છે. તેનો સ્વીકાર પણ થયો છે. પણ હજુ મહાજનની ગાડી આવી નથી.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
