સોમનાથ મંદિર તોડનાર અહમદશાહના નામે અહમદાબાદ, મહેમૂદના નામે મહેમદાવાદ, આ નામો જતા નથી

ગુજરાતની વાત, જપન ક પાઠકઃ વડાપ્રધાને તેમના સોમનાથમાં આપેલા વક્તવ્યમાં આજે ઉલ્લેખ કર્યો છે કે ગઝની અને ખીલજી પછી મુઝફ્ફરખાન, અહમદશાહ અને મહમૂદ બેગડાએ પણ સોમનાથ મંદિરને તોડયું હતું (અને બાદમાં ઔરંગઝેબે પણ).

આમાં મુઝફ્ફરખાન એટલે અહમદશાહના દાદા અને મહમૂદ બેગડો એટલે અહમદશાહનો પૌત્ર. આ અહમદશાહ એ જ અહમદ છે કે જેને આપણે દરરોજ ગુજરાતના મુખ્ય શહેર અહમદાબાદનું નામ લખીને, બોલીને આબાદ કરીએ છીએ. મહમૂદ બેગડાના નામે મહેમદાવાદ નગર પણ છે.

આ કટ્ટરવાદી સુલતાનોના નામે ચડેલા શહેરોના નામ બદલવાનું કામ સરકારે કર્યું નથી. આજે પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષની સરકાર છે કે જેણે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો એજન્ડા ગઇ સદીમાં મૂક્યો હતો અને મહાનગરપાલિકાથી લઇને રાજ્ય સરકારના સ્તરે તેના પર કામ પણ કર્યું હતું. પરંતુ શહેરના નામ બદલવાનો પ્રસ્તાવ કેન્દ્રિય ગૃહ વિભાગ પાસે જતો હોય છે અને તત્કાલીન કેન્દ્રિય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ નામ બદલવાનો નનૈયો ભણ્યો હતો. અગાઉ ભાજપે તત્કાલીન વડાપ્રધાન દેવગૌડાની અમદાવાદ મુલાકાત ટાણે શહેરનું નામ કર્ણાવતી કરવાની માંગણી સાથે આંદોલન પણ કર્યુ હતું અને તેમાં એક વ્યક્તિનું મરણ પણ થયું હતું.

એકવીસમી સદીમાં જો કે ભાજપે ગુજરાતમાં આ મુદ્દો પડતો મૂક્યો છે. જ્યાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ત્યાંની ભાજપ સરકારોએ જેહાદીઓના નામે ચડેલા સંખ્યાબંધ શહેરો અને જિલ્લાના નામ બદલવી કાઢ્યા છે, તો તેલંગાનામાં ભાજપના નેતાઓ હૈદરાબાદને ભાગ્યનગર પણ કહે છે પરંતુ તે જ પક્ષનું ગુજરાતમાં શાસન હોવા છતા  ગુજરાતમાં આવા નામો યથાવત રહેવા દેવાયા છે. જો 1970ના દશકમાં બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો છે, તો ગુજરાતના શહેરોના નામ કેમ કોમ્યુનલ જીહાદી સુલતાનોના નામે ચડેલા રહેવા દેવાયા છે?