રાષ્ટ્ર અને ધર્મ હિતમાં ભાજપનું ભગીરથ કામ, તમામ લોકો ભાજપમાં જોડાઓ અને રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરો: હાર્દિક પટેલ

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલ આજે ગુરુવારે વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવા અંગેનો પોતાની ઇરાદો સ્પષ્ટ કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રના હિતમાં, ધર્મના હિતમાં ભગીરથ કામગીરી કરે છે અને તેમાં હું મારો સહયોગ આપવા માગું છું. વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ જે ભગીરથ કામ કરી રહ્યા છે તેમાં રામસેતુની ખિસકોલી બનીને કાર્ય કરવા ભાજપમાં જોડાયો છું, તેમ હાર્દિકે કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, આ ભગીરથ કાર્યમાં માત્ર હાર્દિક પટેલ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો સહયોગ આપવા તત્પર છે. અન્ય પક્ષોના નેતાઓને પણ અપીલ કરું છું કે તમારા પક્ષમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાઓ અને રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરો.

રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે હું કોંગ્રેસમાં હતો અને મેં પક્ષને કહ્યું હતું કે, હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ કાર્યમાં આર્થિક સહયોગ કરવાની જરૂર છે. પરંતુ કોંગ્રેસના એકપણ નેતાઓ આ વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો નહોતો. મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તેના ચાર દિવસ બાદ જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે અભદ્ર નિવેદન કરીને સાબિત કર્યું હતું કે કોંગ્રેસની વિચારધારા આવી છે.

આજે કમલમમાં માત્ર હાર્દિકની અપેક્ષાઓ નથી જોડાઈ, ગુજરાતના સાડા છ કરોડ લોકોની અપેક્ષાઓ એક કાર્યાલય સાથે જોડાયેલી છે. અને એ અપેક્ષા એ કે 27 વર્ષથી અમે જેમને સત્તા ઉપર બેસાડ્યા છે એ જ લોકોની અમારે ભવિષ્યમાં જરૂર છે, કેમ કે આ રાષ્ટ્રનું અને આ રાજ્યનું જો કોઈ હિત કરી શકે તો એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે.

તેમણે જણાવ્યું કે, હું ઘરવાપસી નથી કરતો, હું ઘરમાં જ હતો. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન માંડલથી ચૂંટણી લડતા ત્યારે મારા પિતાએ એમના ભાઈ બનીને અમારી પાસે કમાન્ડો જીપ એમની સેવામાં આપી હતી. 1990-95માં મારા પિતાજીએ ભાજપને જેટલી મદદ થાય એટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા થોડા દિવસમાં ટીવીના માધ્યમથી મારા વિશે ઘણી વાતો સાંભળી છે, ત્યારે મારે કહેવું છે કે ગુજરાતના સાડા છ કરોડ લોકોના હિતની વાત હોય ત્યારે માત્ર રાજા કે સેનાપતિ નહીં પરંતુ સૈનિક બનવાની પણ જરૂર હોય છે. આજે જેટલા જોડાઈ રહ્યા છીએ તે સૈનિકની ભૂમિકામાં આવ્યા છે.

પોતાને ભાજપમાં આવકારવા બદલ હાર્દિક પટેલે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સહિત ગુજરાત ભાજપના તમામ નેતાઓ-કાર્યકરોનો આભાર માન્યો હતો.

આંદોલનમાં ભોગ બનેલાઓની મદદ માટે સરકારે ઘણું બધું કામ કર્યું છે, આર્થિક મદદ કરી છે છતાં કોંગ્રેસના ખોળામાં બેસીને જે લોકો સમાજના નામે હજુ રાજકારણ કરે છે, સમાજના નામે લોકોને ગુમરાહ કરે છે એવા લોકોને જવાબ આપવા માટે મેં મારી વાત રજૂ કરી છે. આ દિશામાં અમે આવતા બે મહિનામાં યોગ્ય કાર્ય કરવાનો પ્રયાસ કરીશું, તેમ હાર્દિકે જણાવ્યું હતું. આ સંદર્ક્ષમાં તેમણે વધુમાં કહ્યું કે, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, આર્થિક ધોરણે દસ ટકા અનામત આપવાની વાત હોય, કે બિન અનામત આયોગ કે નિગમ આપવાની વાત હોય – એ બધાં કામ માનનીય નરેન્દ્રભાઈને નેતૃત્વમાં ગુજરાતની સરકારે કર્યું છે.

ચૂંટણી લડવા વિશેના પ્રશ્ન અંગે હાર્દિકે કહ્યું હતું કે, હું કાર્યકર તરીકે જોડાયો છું. અગાઉ જે પક્ષમાં હતો ત્યાં પણ કાર્યકર જ હતો. હું મહેનત કરીશ, સંઘર્ષ કરીશ, જે જવાબદારી આપવામાં આવશે તેમાં ક્ષમતા પુરવાર કરીશ. પછી પક્ષ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે.