યુદ્ધ અને શાંતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણને ફ્રાન્સ – અમેરિકાનો આવકાર  

યુએનઃ  “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એમ કહ્યું કે આ સમય યુદ્ધનો નથી, પશ્ચિમ સામે બદલો લેવાનો કે પૂર્વના સંદર્ભમાં પશ્ચિમનો વિરોધ કરવાનો સમય નથી ત્યારે તેઓ સાચા હતા. આ સમય આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેમાં સાર્વભૌમ સમાનતાનો છે” તેમ કહી ફ્રાન્સના પ્રમુખ એમ્માનુલ મેક્રોએ વિશ્વશાંતિ માટેના વડાપ્રધાન મોદીના પ્રયાસોને યાદ કર્યા હતા. બીજી તરફ અમેરિકાએ પણ રશિયા-યુક્રેન યુદ્ધ અંગેના વડાપ્રધાન મોદીના નિવેદનને યોગ્ય ઠેરવીને તેને સમર્થન આપ્યું છે.

એમ્માનુલ મેક્રો યુએન ખાતે 77મી સામાન્ય સભામાં વિશ્વના નેતાઓ સમક્ષ તેમનું વાર્ષિક ઉદ્દબોધન કરી રહ્યા હતા. અને એ સંબોધનમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગેના નરેન્દ્ર મોદીના વલણનો ઉલ્લેખ કર્યો હતો.

ગયા અઠવાડિયે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની 22મી બેઠકમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથેની મુલાકાત દરમિયાન ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ બેઠક દરમિયાન પુતિનને કહ્યું હતું કે, હાલનો સમય યુદ્ધનો નથી. એકબીજાનો બદલો લેવાનો પણ આ સમય નથી.

આ જ સંદર્ભમાં અમેરિકાના સલામતી સલાહકાર જૅક સુલ્લિવને પણ વડાપ્રધાનના યુદ્ધ અંગેના વલણને આવકાર્યું હતું. વૉશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સુલ્લિવનને પૂછવામાં આવ્યું કે, એસસીઓ શિખર બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે અમેરિકા શું કહેવા માગે છે. ત્યારે અમેરિકી સલામતી સલાહકારે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, વડાપ્રધાન મોદીએ જે કંઈ કહ્યું તે પોતે જે યોગ્ય માને છે તે અંગેનું સૈદ્ધાંતિક નિવેદન છે અને અમે તેને આવકારીએ છીએ.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો