કચ્છના સોનલબેન પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે.
September 21, 2025
ગાંધીનગર: કચ્છના સોનલબેન ગોયલ પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે.
“એક સમયે મારી પાસે 3 દુધાળા પશુ હતા અને મને માસિક ₹12,000ની આવક થતી હતી. આજે રાજ્ય સરકારની મદદથી હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવ્યું છે તે અમારા માટે વાસ્તવિકતા બની ગયું છે.” આ શબ્દો છે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં રહેતા સોનલબેન ગોયલના, જેઓ રાજ્ય સરકારની સ્વરોજગારીના હેતુ- પશુપાલન વ્યવસાય માટે 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના થકી આર્થિક રીતે સ્વતંત્ર અને સશક્ત બન્યા છે. માત્ર સોનલબેન જ નહીં, પરંતુ રાજ્યની હજારો મહિલાઓ આજે દૂધ સહકારી મંડળીઓનું નેતૃત્વ કરી રહી છે અને લાખોની કમાણી કરી રહી છે.
ગુજરાતમાં મહિલાઓ માટે ડેરી ઉદ્યોગ એ આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આજે પશુપાલન અને દૂધ ઉત્પાદનની વિવિધ કામગીરીમાં મહિલાઓનું યોગદાન લગભગ 70 ટકા છે. ગુજરાતમાં કુલ 21,000 થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4986 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 32 લાખથી વધુ સભાસદો પૈકી 10 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં મહતમ 1 કરોડ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.
ગુજરાત સરકારની 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના કેટલીય મહિલાઓની આત્મનિર્ભરતા માટે ચાવીરૂપ સાબિત થઈ છે. કચ્છના સોનલબેન નારણભાઈ ગોયલે લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને આઈ-ખેડૂત પોર્ટલ પર આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે બૅન્કમાંથી ધિરાણ મેળવીને 50 દુધાળા પશુની ખરીદી કરીને શેડ બનાવ્યો અને સાથે દોહવાનું મશીન, ઘાસ કાપવાનું ચાફ કટર મશીન, ફોગર સિસ્ટમની ખરીદી પણ કરી હતી. સોનલબેન ગોયલ જણાવે છે કે, “મને આ યોજના હેઠળ કુલ ₹7,99,111ની સહાય મળી હતી. આ યોજનાની સહાય મળી એ પહેલાં મારી માસિક આવક ₹12,000 હતી અને હવે અમે 170 લિટર દૂધ સંપાદન કરીએ છીએ. આ ઉપરાંત, દૂધમાંથી ચોખ્ખું ઘી અને છાશ બનાવીને તેમજ ગૌ મૂત્રનું પણ વેચાણ કરીને આજે હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. અમારા જેવા મહિલા પશુપાલકોને સતત સમર્થન આપવા બદલ હું રાજ્ય સરકારનો ખૂબ-ખૂબ આભાર માનું છું.”
કેન્દ્ર સરકારની A-HELP યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને પશુપાલનની વિવિધ કામગીરી અંગે તાલીમ આપવામાં આવે છે, જેમાં કૃમિનાશક દવા પીવડાવવી, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના પ્રચારની કામગીરી, પશુધન વસ્તી ગણતરીની કામગીરી, ઇયર ટૅગિંગની વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૪૮૦ જેટલી પશુ સખીઓને RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા) ખાતે પશુપાલનની વિશેષ તાલીમ આપીને A-HELP બનાવવામાં આવેલ છે.
છેલ્લા 10 વર્ષમાં પશુપાલન ખાતા હેઠળ વિવિધ યોજનાઓ માટે લાભ લીધેલ મહિલા લાભાર્થીઓની સંખ્યા પર નજર નાખીએ તો, 2014-15માં નાણાંકીય સહાયનો લાભ મેળવનારી મહિલાઓની સંખ્યા ફક્ત 805 હતી, જ્યારે 2024-25 માટે અત્યારસુધીમાં 42,337 મહિલા લાભાર્થીઓને નાણાંકીય સહાય મળી છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 2.14 લાખથી વધુ મહિલાઓને પશુપાલન માટેની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં બહેનો ફક્ત ઘરકામ અને સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. પરંતુ, હવે પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે થવાના કારણે તથા સરકારની વિવિધ પ્રોત્સાહિત ઇનામ યોજનાઓના કારણે મહિલાઓનો સામાજિક મોભો પણ વધ્યો છે.
ગુજરાતની મહિલા પશુપાલકોને ડેરી અને પશુપાલન ક્ષેત્રે તેમના યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. ભારતના ડેરી ઉદ્યોગમાં અત્યંત પ્રતિષ્ઠિત સન્માન- ‘ગોપાલરત્ન ઍવોર્ડ’ 2021માં શ્રીમતી મોંઘીબેન વર્ધસિંહ રાજપૂત, 2022માં સોનલબેન નારણભાઈ ગોયલ અને 2023માં બ્રિંદા સિદ્ધાર્થ શાહને એનાયત થયો છે. તો રાજ્ય સ્તરે સરકાર ‘શ્રેષ્ઠ પશુપાલક ઍવોર્ડ’ દ્વારા મહિલા પશુપાલકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.
તાજેતર ના લેખો
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
- સિવિલ હોસ્પિટલમાં પેશાબની જટિલ સમસ્યાઓનું હવે થશે મફત અને સચોટ નિદાન; શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'
