સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
March 11, 2026
સુરત: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બુધવારે શહેરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને બે મહત્વપૂર્ણ નામકરણ સંબંધિત ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઠરાવ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં આવેલ મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરીની આસપાસનો વિસ્તાર, જે પરંપરાગત રીતે ‘મુગલીસરા’ તરીકે ઓળખાય છે, તેને હવે ‘શ્રી તાપી પુરા’ નામ આપવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાએ તાપી નદીના મહિમા અને પવિત્રતાનું વર્ણન કરતા પૌરાણિક ગ્રંથ શ્રી તાપી મહાપુરાણને આધારે આ નામકરણ કરવાનો નિર્ણય કર્યો છે.
સામાન્ય સભામાં લેવાયેલા બીજા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, તાપી નદીના તટ પર સ્થિત અને હાલ સુરત મહાનગર સેવાસદન તરીકે ઓળખાતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય વહીવટી કચેરી (હેડક્વાર્ટર)ની બિલ્ડીંગને હવે “શ્રી તાપી ભવન” નામ આપવામાં આવ્યું છે.
તાપી નદી મધ્ય ભારતની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે અને તેના દક્ષિણ કિનારે વસેલું સુરત શહેર, જેને ઐતિહાસિક રીતે સૂર્યપુર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિકાસમાં તાપી નદીનો મોટો ફાળો રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન તરીકે માનવામાં આવે છે અને સુરતના નાગરિકો માટે તે ‘શ્રી તાપી માતા’ સમાન છે.
ઈતિહાસકારો અનુસાર સુરત શહેરનો ઐતિહાસિક વારસો અત્યંત સમૃદ્ધ રહ્યો છે. 16મી અને 17મી સદીમાં સુરત ‘84 બંદર’ તરીકે ઓળખાતું મહત્વનું વેપારી કેન્દ્ર હતું, જ્યાંથી ચીન, ઈન્ડોનેશિયા અને યુરોપ સહિતના દેશો સાથે દરિયાઈ વેપાર થતો હતો. શહેર રેશમી કાપડ, જરી ઉદ્યોગ અને જહાજ નિર્માણ માટે વિશ્વપ્રસિદ્ધ હતું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ ‘હેક્ટર’ પણ તાપી નદી મારફતે સુરત બંદરે આવ્યું હતું અને અહીં અંગ્રેજોએ દેશમાં પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપી હતી. જેના કારણે સુરતને ‘સોનાની મુરત’ તરીકે ઓળખ મળેલી.
સુરતના નાગરિક જીવનમાં તાપી નદીનું મહત્વ જળવાઈ રહે અને શહેરના ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ આ નામકરણનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. મહાનગરપાલિકાને શહેરના રસ્તા, મહોલ્લા, ચોક, બાગબગીચા, ટ્રાફિક આઈલેન્ડ અને અન્ય જાહેર સ્થળોના નામકરણ કરવાની સત્તા છે.
Leave a Reply
તાજેતર ના લેખો
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
- સિવિલ હોસ્પિટલમાં પેશાબની જટિલ સમસ્યાઓનું હવે થશે મફત અને સચોટ નિદાન; શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'
- ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ
