વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા 67 ટકા સમર્થન સાથે ટોચ પર; 64,000ની સેમ્પલ સાઇઝના સર્વે વિશે બ્લૂમબર્ગનો અહેવાલ

વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા 67 ટકા સમર્થન સાથે ટોચ પર; 64,000ની સેમ્પલ સાઇઝના સર્વે વિશે બ્લૂમબર્ગનો અહેવાલ

નવી દિલ્હીઃ કોવિડકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા હાલ તેના સર્વોચ્ચ સ્તરે છે. સાવ જૂજ પેરામીટરમાં લોકોની નારાજગી વચ્ચે પણ દેશના 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સમાચાર વેબસાઇટ બ્લુમબર્ગમાં પ્રકાશિત અહેવાલમાં લોકલસર્કલ્સ (LocalCircles) દ્વારા કરવામાં આવેલું સર્વેક્ષણ દર્શાવે છે કે, વર્ષ 2020માં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા 62 ટકા હતી, અને ગયા વર્ષે આ આંકડો 51 ટકા હતો જેમાં જંગી વધારો થઇને હાલ 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારને થમ્સ-અપ આપ્યું છે. દેશમાં 64,000 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતને આધારે સ્પષ્ટ થાય છે કે, ભાવ વધારો તથા બેરોજગારી જેવા જૂજ મુદ્દાને બાદ કરતાં બાકીની તમામ બાબતોમાં મોદી સરકારે દેશનો વિશ્વાસ મેળવ્યો છે.

લોકસસર્કલ્સ દ્વારા કોવિડ-19 વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને મહત્તમ લોકોએ ત્રીજા વેવને અટકાવવામાં તેમજ સાથે સાથે અર્થતંત્રને સુધારવાની સરકારની કામગીરીને મુખ્ય સિદ્ધિ ગણાવી છે. તેની સામે 47 ટકા લોકો એવું માને છે કે બેરોજગારીના મુદ્દે સ્થિતિ હજુ પૂરી આશાસ્પદ નથી. જોકે, આ પેરામીટરમાં 2021માં 27 ટકા લોકો એમ માનતા હતા કે સરકારે રોજગારીના મુદ્દે સારી કામગીરી કરી છે જ્યારે આ વર્ષે તેમાં દસ ટકા વધારો થયો છે અને હવે 37 ટકા ભારતીયો સ્વીકારે છે કે રોજગારીની બાબતમાં સરકારની કામગીરી સંતોષજનક છે.

મોંઘવારીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતા લોકો સાથે સાથે એ વાતનો પણ સ્વીકાર કરે છે કે, લૉકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જે આંતરરાષ્ટ્રીય સ્થિતિ પેદા થઈ છે તેની આ અસર હોઈ શકે. સર્વેક્ષણમાં 73 ટકા લોકોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમની મુખ્ય ચિંતાનો વિષય મોંઘવારી રહ્યો છે.

દેશમાં કોમી સંવાદિતાના વાતાવરણ અંગે 60 ટકા કરતાં વધુ લોકોએ જણાવ્યું કે, આ દિશામાં સરકારે લીધેલા પગલાંથી તેમને પૂરો સંતોષ છે.

સર્વેક્ષણનાં તારણોના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ

– 73 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ ભવિષ્ય બાબતે આશાવાદી છે.

– 44 ટકા લોકો એવું માને છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારે પૂરતા પગલાં લીધાં નથી.

– 66 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો કે કોમી સંવાદિતા વધારવાના સરકારના પ્રયાસો અત્યંત સંતોષજનક છે. જોકે આ પ્રશ્ન અંગે 33 ટકા લોકો અસંમત થયા હતા.

– 50 ટકા કરતાં વધુ લોકોએ જણાવ્યું કે, ભારતમાં વેપાર-વ્યવસ્યા કરવાની સરળતા (ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ) માં નોંધપાત્ર સુધારો થયો છે.