સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
July 09, 2026
પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા માન. મુખ્યમંત્રીએ તંત્રવાહકોને તાકીદ કરી
* જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે મળીને કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને
* સુરતમાં ખાડીપૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી પગલા લેવાય.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, માન્ય કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર.પાટીલ, નાણા અને સુરત જિલ્લા પ્રભારી માન્ય મંત્રી કનુભાઈ દેસાઈ અને માન્ય આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી અને જનજીવનની સ્થિતિ પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવાના દિશાનિર્દેશો પણ તંત્રવાહકોને આપ્યા હતા.
પૂર બાદ થઈ રહેલી સફાઈ, રિલીફ વર્ક, કેશડોલ્સ ચૂકવણી, દવા છંટકાવ જેવી કામગીરીના ICCC ના માધ્યમથી રિયલટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે, જેનાથી મનપાના અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી આયોજનની આવશ્યકતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. એટલું જ નહિં, ભારે વરસાદની વિકટ સ્થિતિ અને પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર કરશે.
ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિની પરિસ્થિતિઓમાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને તે જરૂરી છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યના આયોજન માટે ખાડી પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે તેવી કડક સૂચના આપી હતી.
રાજ્ય સરકાર સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન અને સંપર્કમાં છે અને ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની સાથે છે તેમજ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ છે. સુરતમાં ખાડી પૂરના કારણે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની માતબર રકમ ખાડી ડેવલપમેન્ટ અને સુધારણા કાર્યો માટે મંજૂર કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન કે અન્ય સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી રોડ રસ્તા કે અન્ય કોઈ પણ નવી કામગીરી તેમજ પૂરની સ્થિતિ સર્જાવા સંદર્ભે કામોમાં જો કોઈ નબળી ગુણવત્તા કે છૂપી ક્ષતિઓ બહાર આવશે, તો તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ પ્રકારની બેદરકારી આચરનારા કે તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની રાહે પગલાં ભરવાની સૂચના તમામ ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવી છે.
પૂરની આપત્તિનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, જિલ્લા પ્રશાસન, NDRF-SDRF અને ફાયર બ્રિગેડની ટીમોએ ખભેખભા મિલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. સરકારી તંત્રની સાથે સુરત શહેરના અંદાજે ૫,૦૦૦ થી વધુ સેવાભાવી નાગરિકો અને સ્વયંસેવકોએ પણ ઉત્સાહભેર સહયોગ આપ્યો છે. સુરતના નાગરિકોએ મુશ્કેલીના સમયે અદ્દભૂત સંયમ અને સમૂહ શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો ૩૦ ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. ૩૬૦૦ લોકોનું રેસ્ક્યુ, ૪૧૦૦ અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે. NDRFની ૨ અને SDRF ની ૫ ટીમો કાર્યરત છે.
જિલ્લા કલેકટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે થઈ રહ્યો છે અને ગઈ કાલથી જ કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેર-જિલ્લામાં ૪૦ જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન, રિલીફ સેન્ટરો, અસરગ્રસ્તોના રેસ્ક્યુ અંગે વિગતો આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રી શાલિની અગ્રવાલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, અરવિંદભાઈ રાણા, સંગીતાબેન પાટીલ, કિશોરભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, જિ.પં.પ્રમુખશ્રી સમીર મોદી, મેયર શ્રીમતી માયાબેન માવાણી, પો.કમિશનરશ્રી વાબાંગ જમીર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવશ્રી વિક્રાંત પાંડે, જિ.વિકાસ અધિકારીશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, પદાધિકારી-અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતર ના લેખો
- અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર
- કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
- ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર
- AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ
- ઉમરેઠના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા
