ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

NFSU એ ગુજરાતની અને ભારતની એક એવી વિશિષ્ટ સરકારી યુનિવર્સિટી બની છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને યુગાન્ડાના જિન્જા ખાતે પોતાનું વિદેશી કેમ્પસ સ્થાપ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોના પ્રતિનિધિઓએ અહીંથી ફોરેન્સિક સાયન્સનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે. વિશ્વના અનેક દેશોએ પોતાના દેશમાં NFSUનું કેમ્પસ સ્થાપવા માટે સત્તાવાર દરખાસ્તો પાઠવી છે. આ યુનિવર્સિટી મે 2026 સુધીમાં દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ ધરાવે છે.

ગ્રાઉન્ડ લેવલ તપાસ માટે 300થી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન:

ગુનાની વૈજ્ઞાનિક તપાસ ઝડપી બને અને સચોટ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય તે માટે NFSU એ ભારતમાં જ નિર્મિત અત્યાધુનિક ‘મોબાઈલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન’ તૈયાર કરી છે. આ વાન 24×7 કલાક કૌશલ્યયુક્ત તજજ્ઞો અને ખાસ ફોરેન્સિક કીટ્સ સાથે સેવામાં તૈનાત રહે છે. દેશના 17થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી 300થી વધુ મોબાઈલ સેવારત છે.

સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’નું સપનું સાકાર

NFSU દ્વારા સંશોધન અને સ્ટાર્ટ-અપ્સને વેગ આપવા માટે કંપની કાયદા હેઠળ ‘ફોરેન્સિક ઈનોવેશન કાઉન્સિલ’ અને SSIP ના સહયોગથી ‘ફોરેન્સિક ઇનોવેશન સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે. અહીં અત્યાધુનિક લેબોરેટરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ કેન્દ્ર સરકારના માધ્યમથી તૈયાર થયેલી ફોરેન્સિક તપાસ માટેની 20થી વધુ મેક-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, સિંગાપોર અને યુરોપ જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે. એટલું જ નહીં, સંસ્થાએ ભારતમાં તેમજ અમેરિકામાં પણ વિશિષ્ટ પેટન્ટ અપ્રૂવલ મેળવી છે.

ડિઝાસ્ટર ઇન્વેસ્ટિગેશન અને સ્પોર્ટ્સ સાયન્સમાં સીમાચિહ્નરૂપ કામગીરી

રાષ્ટ્રીય આપત્તિઓ અને જટિલ કેસોમાં પણ NFSU અગ્રેસર રહ્યું છે. ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયંકર અને દુઃખદ એર ઇન્ડિયા ફ્લાઇટ-171 વિમાન દુર્ઘટનાના કુલ 265 હતભાગીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે NFSUની ટીમે અત્યંત ઝડપી ગતિએ DNA પ્રોફાઇલિંગનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું હતું.

આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે રમતવીરોના પોષણ પરીક્ષણ અને પ્રતિબંધિત પદાર્થોની માત્રા શોધવા માટે અહીં વિશેષ “સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ન્યૂટ્રિશનલ ટેસ્ટિંગ ફોર સ્પોર્ટ્સપર્સન” (CoE-NSTS) પણ શરૂ કરવામાં આવ્યું છે.