કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
June 13, 2026
અમદાવાદ : નાનાં બાળકોની જિજ્ઞાસા ઘણી વખત ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક ગંભીર અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે, જેમાં ઘરે રમત રમતા સાબુ બનાવવા માટે વપરાતા કેમિકલનું પાણી પી જવાથી માત્ર ત્રણ વર્ષના બાળકની અન્નનળી લગભગ નકામી બની ગઈ હતી. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની કુશળતા, ધીરજ અને ટીમવર્કના કારણે આ બાળક આજે ફરીથી મોઢેથી ખાઈ-પી શકે છે.
જોધપુરના રહેવાસી અને હોસ્પિટલમાં કામ કરતા સરાફત અલીના પુત્ર અયાને તા. 14 ફેબ્રુઆરી, 2025ના રોજ દાદાના ઘરે રમતી વખતે આકસ્મિક રીતે સાબુ બનાવવા માટે વપરાતું કેમિકલ પી લીધું હતું. ત્યારબાદ તેને ગળામાંથી ખોરાક ઉતારવામાં ભારે તકલીફ થવા લાગી. કોઈપણ પ્રવાહી કે ઘન ખોરાક ગળી શકતો ન હોવાથી પરિવાર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તમામ પ્રાથમિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો નહીં.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે કેમિકલના કારણે અન્નનળી ગંભીર રીતે દાઝી જવાથી તે અત્યંત સાંકડી થઈ ગઈ હતી. અન્નનળીને પહોળી કરવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. આખરે અયાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ તરત જ બાળકનું ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી કરવામાં આવ્યું, જેથી પેટમાં સીધો ખોરાક આપી તેનું પોષણ જાળવી શકાય. ત્યારબાદ મહિનાઓ સુધી સતત ફોલોઅપ, પોષણની તૈયારી અને તબક્કાવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું.
આ કેસ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી ઉતાવળમાં કરી શકાતી નથી. બાળકનું યોગ્ય પોષણ, વજનમાં વધારો, જઠરની ક્ષમતાનું મૂલ્યાંકન અને વિવિધ નિષ્ણાતોની સંકલિત તૈયારી અત્યંત જરૂરી હોય છે. તા. 17 નવેમ્બર, 2025ના રોજ અયાનની વધુ સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં એની ગંભીર રીતે ખરાબ થયેલી અન્નનળી કાઢી નાખવામાં આવી અને ગળાના ભાગમાં કાણું કરવા માં આવ્યું.
આખરે તા. ૨૦ મે,૨૦૨૬ ના રોજ ડૉ. રાકેશ જોષી, ડો.જયશ્રી રામજી અને તેમની પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમે, તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમે અતિ જટીલ એવી ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.
શું છે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી?
આ સર્જરીમાં જઠરને ઉપર ખેંચીને છાતીના ભાગમાં લાવવામાં આવે છે અને તેને નવી અન્નનળી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે અન્નનળી ગંભીર રીતે નુકસાન પામે અથવા નકામી બની જાય ત્યારે આ સર્જરી જીવનદાયી સાબિત થાય છે.
સર્જરી પહેલાંની મહત્વપૂર્ણ તૈયારીઓ
બાળકને ગેસ્ટ્રોસ્ટોમી દ્વારા પૂરતું પોષણ આપીને તેનું વજન અને તાકાત વધારવામાં આવે છે.
પીડિયાટ્રિક સર્જન, એનેસ્થેસિયા નિષ્ણાત, ડાયેટિશિયન અને આઈસીયુ ટીમ સતત નિરીક્ષણ કરે છે.
માતા-પિતાને સર્જરીની પ્રક્રિયા, સંભવિત જોખમો અને ઓપરેશન બાદની કાળજી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે.
સર્જરી બાદ અયાને કોઈપણ મુશ્કેલી વગર ફરીથી મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. હાલ તેની સ્થિતિ સંપૂર્ણપણે સંતોષકારક હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે અયાનની તમામ સારવાર અને ઓપરેશનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.
માતા-પિતા માટે ચેતવણી
આ ઘટના દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારી છે. ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુ બનાવવા માટેના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર, બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી છે.
ડો. જોષીએ જણાવ્યુ હતુ કે નાનાં બાળકો રમતમાં કોઈપણ વસ્તુ મોઢામાં મૂકી દેવાની કુદરતી વૃત્તિ ધરાવે છે. માત્ર એક ક્ષણની બેદરકારી જીવનભરની પીડાનું કારણ બની શકે છે. જો બાળક દ્વારા આકસ્મિક રીતે કોઈ કેમિકલ પી જવામાં આવે તો ઘરગથ્થુ ઉપચાર કરવાનો પ્રયાસ કર્યા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.
અયાનની ઉપર કરવામાં આવેલી આ સફળ સર્જરી એક તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની નિષ્ઠા, કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે, તો બીજી તરફ દરેક વાલીને પોતાના બાળકની સલામતી પ્રત્યે વધુ સાવચેત રહેવાનો મજબૂત સંદેશ પણ આપે છે.
તાજેતર ના લેખો
- ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર
- AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ
- ઉમરેઠના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા
- ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત- હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ
