સત્યેન્દ્ર જૈન મામલે ભાજપના આમ આદમી પાર્ટીને સીધા સવાલો ; કહ્યું દેશના ગદ્દારને બચાવી રહ્યા છે કેજરીવાલ ?

સત્યેન્દ્ર જૈન મામલે ભાજપના આમ આદમી પાર્ટીને સીધા સવાલો ; કહ્યું દેશના ગદ્દારને બચાવી રહ્યા છે કેજરીવાલ ?

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈન સંદર્ભે ભાજપે આજે બુધવારે કેજરીવાલને કેટલાક પ્રશ્ન કરીને તેમના ભ્રષ્ટાચાર અંગેના વલણને સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો હતો. હવાલા કૌભાંડમાં ધરપકડ બાદ 9 જુલાઈ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવેલા સત્યેન્દ્ર જૈન નિર્દોષ હોવાના કેજરીવાલના દાવા સામે ભાજપે આજે કેટલાક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ દરમિયાન પ્રશ્નો ઉપસ્થિત કરીને પૂછ્યું હતું કે, શું સત્યેન્દ્ર જૈને 2010થી 2016 દરમિયાન 56 શેલ કંપનીઓ ઊભી કરીને રૂ. 16.39 કરોડનું હવાલા કૌભાંડ કર્યું હતું કે નહીં?

સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલને પ્રશ્ન કર્યો કે, શું એ સાચું છે સત્યેન્દ્ર જૈને જાતે જાહેર કર્યું હતું પોતે અંકુશ જૈન, વૈભવ જૈનના નામે 16.30 કરોડનું હવાલા કૌભાંડ આચર્યું હતું?

કેન્દ્રીય પ્રધાને સૌથી મહત્ત્વનો પ્રશ્ન કર્યો કે, શું એ સાચું નથી કે પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સે આ રૂ. 16.39 કરોડના માલિક અંકુશ જૈન અને વૈભવ જૈન હોવાના દાવાને ફગાવી દઇને સ્પષ્ટ કહ્યું હતું કે આ નાણા સત્યેન્દ્ર જૈનના જ છે?

દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેંચે 21-8-2019ના આદેશથી શું એ વાત કન્ફર્મ નથી કરી કે સત્યેન્દ્ર જૈને જ હવાલા કૌભાંડ કર્યું હતું? જો કેજરીવાલ પાસે કોર્ટના આદેશની એ કૉપી ન હોય તો ભાજપના કાર્યકર તેમને પહોંચાડવા તૈયાર છે તેમ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.

ભાજપે દિલ્હીના મુખ્યપ્રધાનને પ્રશ્ન કર્યો કે, શું એ સાચું નથી કે સત્યેન્દ્ર જૈન અને તેમના પત્નીએ ઈન્ડો મેટાલિક ઈમ્પેક્ટ્સ પ્રા. લિ., અકિંચન ડેવલપર, મંગલયતન પ્રા. લિ. જેવી સંખ્યાબંધ શેલ કંપનીઓ ઊભી કરી છે?

કેન્દ્રીય પ્રધાને જૈને હવાલા દ્વારા કબજે કરી જમીન અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા. તેમણે પૂછ્યું કે શું એ વાત સાચી નથી કે, જૈને કરાલા, ઓચંડી, નિઝામપુર, ઉધમ, નોર્થ તથા નોર્થવેસ્ટ દિલ્હીમાં 200 વીઘા જમીન ગેરકાયદે સોદા દ્વારા લીધી છે. આ સંદર્ભમાં સ્મૃતિ ઈરાનીએ એમ પણ પૂછ્યું કે, આ 200 વીઘા જમીન જ્યાં આવેલી છે તે એ જ અનઓથોરાઇઝ કોલોનીની આસપાસ છે જે રેગ્યુલરાઇઝ કરવામાં આવી છે?

શું એ સાચું નથી કે સત્યેન્દ્ર જૈને પોતે રૂ. 16.39 કરોડની હવાલા આવક ઉપર આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ વસુલ કરવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી?

ભ્રષ્ટાચાર નાબૂદી વિશે મોટી મોટી વાતો કરનાર અને ભ્રષ્ટાચારીઓ દેશના ગદ્દાર છે એવું નિવેદન કરનાર કેજરીવાલને ભાજપે છેલ્લે એક પ્રશ્ન કર્યો કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં ગયેલા અને તમારા જ શબ્દોમાં દેશના ગદ્દાર વ્યક્તિ હજુ પણ મંત્રીપદે રહી શકે?