પંજાબમાં હત્યા અને લૂંટફાટનો સિલસિલો, શું રાજ્ય ફરી 1980-1990ના દૌરમાં સરકી રહ્યું છે?

પંજાબમાં હત્યા અને લૂંટફાટનો સિલસિલો, શું રાજ્ય ફરી 1980-1990ના દૌરમાં સરકી રહ્યું છે?

ચંડીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે સત્તા સંભાળી ત્યારથી હિંસા, રાજકીય હત્યાઓ તથા લૂંટફાટના બનાવો વધી રહ્યા હોવાનું રાજ્યના લોકો માને છે. હજુ બે દિવસ પહેલાં જ કોંગ્રેસના નેતા અને ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ હતી તેના આઘાતમાંથી રાજ્ય બહાર નથી આવ્યું ત્યારે આજે પહેલી જૂને ફિલ્લૌર નજીક સશસ્ત્ર ટોળકીએ પંજાબ રાજ્ય પરિવહન નિગમની એક બસ લૂંટી લીધી હતી. બસ લૂંટની આ ઘટનાને પગલે ગુસ્સે થયેલા ગ્રામવાસીઓએ હાઈવે જામ કરી દીધો હતો.

પંજાબ રાજ્ય પરિવહન નિગમની બસ લુધિયાણા-જલંધર હાઇવે પર ટોલ પ્લાઝા પાસે ઊભી હતી ત્યારે ત્રણ સશસ્ત્ર લૂંટારા આવ્યા હતા અને ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરો પાસેથી રોકડ રકમ તેમજ ઘરેણાં લૂંટીને ફરાર થઈ ગયા હતા.

લૂંટને પગલે બસના મુસાફરો તેમજ આસપાસા ગ્રામવાસીઓએ ગુસ્સામાં આવીને હાઈવે જામ કરી દીધો હતો. જોકે થોડા સમયમાં પોલીસ આવી પહોંચતા બધાને શાંત પાડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ ઘટના અંગે પ્રત્યાઘાત આપતા ભાજપના નેતા મનજિન્દરસિંહ સિરસાએ મુખ્યપ્રધાન ભગવંત માનને ટૅગ કરીને ટ્વિટ કર્યું હતું કે, શું તમે આ બદલાવ લાવ્યા છો? પંજાબમાં રોજેરોજ નવા પ્રકારના અપરાધ અથવા હિંસાના બનાવો બની રહ્યા છે. આજે રાજ્ય પરિવહનની બસ ફિલ્લુર ખાતે બંદૂકની અણીએ લૂંટાઈ! પબ્લિસિટીમાં રાચતી તમારી સરકાર અને પંજાબ પોલીસમાં વિશ્વાસના અભાવે ગુંડાઓને લૂંટફાટ અને હત્યાઓ માટે છૂટો દોર મળી ગયો છે.

સિરસાએ રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પંજાબીઓ માટે શરમજનક વાત હોવાનું જણાવ્યું હતું.

હત્યાઓ અને લૂંટના બનાવોની પૅટર્ન જોતાં નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે પંજાબ ફરીથી 1990ના દાયકામાં સરકી રહ્યું છે, જ્યારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હાવી હતા અને રોજેરોજ હત્યા અને લૂંટફાટના કિસ્સા બનતા હતા.