ગુજરાતના જાગૃત નાગરિકે કરેલી આરટીઆઇ થકી કેજરીવાલનો દાવો સદંતર ખોટો ઠર્યો

ગુજરાતના જાગૃત નાગરિકે કરેલી આરટીઆઇ થકી કેજરીવાલનો દાવો સદંતર ખોટો ઠર્યો

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના વધુ એક જૂઠનો એક સજાગ નાગરિકે કરેલી આર.ટી.આઈ. દ્વારા પર્દાફાશ થઈ ગયો છે. બરાબર એક મહિના પહેલાં ગત 11મી મેએ કેજરીવાલે ગુજરાતમાં રાજકોટની મુલાકાત દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ગુજરાત સરકારે 27 દરમિયાન રાજ્યના એકપણ નાગરિકને ધાર્મિક યાત્રા કરાવી નથી. કેજરીવાલે જાહેરસભામાં એક વૃદ્ધાના નામે વાર્તા પણ ઘડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની એક વૃદ્ધાએ મારી પાસે આવીને કહ્યું હતું કે, બેટા અયોધ્યા જવાની મારી ઘણી ઈચ્છા છે.

કેજરીવાલે વધુમાં કહ્યુ હતું કે ભાજપે 27 વર્ષમાં એકપણ વ્યક્તિને ધાર્મિક યાત્રા કરાવી નથી, જ્યારે દિલ્હીમાં અમે ત્રણ વર્ષમાં 50,000 લોકોને તીર્થયાત્રા કરાવી છે. ગુજરાતમાં ચૂંટાઇને આવશું એટલે કરાવીશું.

કેજરીવાલનું આ જૂઠાણું આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ ફેલાવવામાં આવ્યું હતું. તેને પગલે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિત એક સજાગ નાગરિક સુજીત પટેલ દ્વારા ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગમાં અરજી કરીને કેજરીવાલના દાવા અંગેની સચ્ચાઈ વિશે પૂછવામાં આવ્યું હતું.

ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગે પહેલી જૂન, 2022ના રોજ સુજીત પટેલની અરજીનો જવાબ આપ્યો હતો જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની “ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” હેઠળ અત્યાર સુધીમાં કુલ 89,891 લોકોએ લાભ લીધો છે. ગુજરાતના આરટીઆઈ વિભાગ દ્વારા આ સત્તાવાર જવાબ મળ્યા પછી સુજીત પટેલે તેમના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કેજરીવાલના જૂઠનો પર્દાફાશ કરતા લખ્યું કે, 2017માં શરૂ થયેલી ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે.

સુજીત પટેલ નિયમિત રીતે #મહાઠગ હૅશટૅગ સાથે કેજરીવાલના એક પછી એક જૂઠનો પર્દાફાશ પદ્ધતિસર રીતે આરટીઆઇ મારફતે કરતા રહે છે. તેઓ દિલ્હીની સ્કૂલો અંગેના કેજરીવાલ સરકારના દાવાઓની પણ વિવિધ આરટીઆઈ દ્વારા પોલ ખોલી ચૂક્યા છે.

ગુજરાતમાં આગામી થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને અહીંના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીને સુજીત પટેલે ટ્વિટર દ્વારા કેજરીવાલને પ્રશ્ન કર્યો હતો કે, તમારા અંગત સ્વાર્થ માટે ખોટું બોલીને ગુજરાતને બદનામ શા માટે કરો છો? જોકે, તેમના આ પ્રશ્નનો કેજરીવાલે કે ગુજરાતમાં આપ પાર્ટીના કાર્યકરોએ કોઈ જવાબ આપ્યો નથી.