ભારતને મળતા ક્રુડ ઑઇલ પુરવઠામાં સાઉદી અરેબિયાને હટાવી રશિયા બીજા ક્રમે

ભારતને મળતા ક્રુડ ઑઇલ પુરવઠામાં સાઉદી અરેબિયાને હટાવી રશિયા બીજા ક્રમે

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા થોડા મહિનામાં રશિયા પાસેથી ક્રુડ ઑઇલની ખરીદીમાં વધારો કરતાં હવે ભારતમાં થતી આયાતમાં રશિયા બીજા ક્રમે આવી ગયું છે.

મે મહિનામાં ભારતે કરેલી ક્રુડની ખરીદીમાં પહેલા ક્રમે ઈરાન પછી બીજા ક્રમે રશિયા આવે છે, જ્યારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે સરકી ગયું હતું.

ભારતની ક્રુડની જરૂરિયાત મુખ્યત્વે ઈરાન અને અખાતના દેશો ઉપરાંત રશિયાથી પૂરી થાય છે, પરંતુ વિવિધ કારણસર ખરીદીની પેટર્નમાં ફેરફાર થતાં ક્રુડ પૂરું પાડતા દેશો/રિજનના ક્રમમાં ગયા મહિને ફેરફાર જોવા મળ્યો.

આમ મે મહિનામાં ભારતે રશિયા પાસેથી પ્રતિદિન 8,19,000 બૅરલ ક્રુડ મેળવ્યું હતું જે અત્યાર સુધીના કોઇપણ એક મહિનામાં મેળવેલી સંખ્યાના પ્રમાણમાં ઘણું વધારે હતું. અગાઉના એપ્રિલ મહિનામાં ભારતને રશિયા પાસેથી પ્રતિદિન 2,77,000 બૅરલ ક્રુડ મળ્યું હતું.

યુક્રેન સાથેના યુદ્ધના સંદર્ભમાં પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લાદતા પશ્ચિમના ઘણા દેશોએ રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું હતું.
અગાઉ અંતરને કારણે ભારતને રશિયન ક્રુડ મગાવવામાં મુશ્કેલી પડતી હતી, તે ઉપરાંત ભારતમાં જૂજ રિફાઇનરી રશિયન ગ્રેડના ક્રુડને રિફાઇન કરતી હતી. પરંતુ હવે રશિયાએ ડિસ્કાઉન્ટ ભાવે ક્રુડ ઑફર કરતાં ભારતીય રિફાઇનરીઓને પણ સાનુકૂળતા ઊભી થઈ છે.

ભારતે મે મહિનામાં કરેલી ક્રુડની આયાતામાં રશિયન ક્રુડનો હિસ્સો 16.5 ટકા હતો અને સીઆઈસી દેશોમાંથી ક્રુડની આયાતના હિસ્સામાં 20.5 ટકાનો વધારો કરવામાં મદદ કરી હતી, જેની સામે મધ્યપૂર્વમાંથી થતી આયાત ઘટીને 59.5 ટકા થઈ હતી.
એ જ રીતે ભારતે આફ્રિકન ક્રુડની આયાત જે એપ્રિલ 2022માં 5.9 ટકા હતી તે વધારીને જૂન 2022માં 11.5 ટકા કરી હતી.

ટ્રેડ નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ ડિઝલની માંગ વધારે છે. જેમને ડિઝલ અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન વધારવું હોય તેમણે નાઇજિરીયા તથા અંગોલા ગ્રેડનું ક્રુડ લેવું પડે. કોવિડની આડઅસરોને કારણે ચીને તેની આયાતમાં ઘટાડો કરતાં આ બંને આફ્રિકન દેશોનો પુરવઠો યુરોપ અને ભારત તરફ વળ્યો છે.

તેમના જણાવ્યા મુજબ રશિયન બૅરલ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવા ઉપરાંત અખાતના ક્રુડના ઊંચા વેચાણભાવને કારણે પણ ભારતીય રિફાઇનરીઓએ નાઇજિરિયન ક્રુડ ખરીદવાનું શરૂ કર્યું હતું. ભારતે ડિસેમ્બર 2020 પછી સૌપ્રથમ વખત મે 2022માં પ્રતિદિન 4.98 મિલિયન બૅરલ જેવી રેકોર્ડ માત્રામાં ખરીદી કરી હતી. સરકારી રિફાઇનરીઓએ સ્થાનિક માંગને પહોંચી વળવા ઉત્પાદનમાં વધારો કર્યો હતો, જ્યારે ખાનગી રિફાઇનરીઓએ નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.

ભારતે એપ્રિલ 2022ની સરખામણીમાં મે-2022માં 5.6 ટકા વધારે ક્રુડની આયાત કરી હતી જ્યારે એક વર્ષ પહેલાં થતા ક્રુડની આયાતની સરખામણીમાં ગયા મહિના કુલ 19 ટકાનો વધારો થયો હતો.