ઈન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટીની #EmergencyFiles

ઈન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટીની #EmergencyFiles

નવી દિલ્હીઃ 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વિશે આજે 47 વર્ષ પછી પણ દેશમાં મોટાભાગના લોકોને, ખાસ કરીને યુવાપેઢીને ખાસ કશી ખબર નથી. આલોક ભટ્ટ નામના ટ્વિટર યુઝરે જે થોડી ઘણી ઘટનાઓ આજે ઉજાગર કરી છે માત્ર તેના ઉપર નજર નાખવામાં આવે તો કટોકટીની હકીકતો પણ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની જેમ આ ઈમર્જન્સી ફાઇલ્સ ચોંકાવનારી અને આઘાતજનક છે.

કટોકટી અંગે તે સમયના વિદેશી મીડિયાએ ઈન્દિરા ગાંધીનો ઈન્ટર્વ્યુ લીધો હતો. એ ઈન્ટર્વ્યુમાં શ્રીમતી ગાંધીએ કટોકટી લાદવા માટેનું જે કારણ આપ્યું હતું એ કારણને જો દેશમાં હાલના સંજોગો સાથે જોડવામાં આવે તો તો 1975 કરતાં પણ વધારે આકરી કટોકટી લાદી શકાય! શ્રીમતી ગાંધીએ ત્યારે વિદેશી મીડિયાના પત્રકારને કહ્યું હતું કે, દેશમાં વિરોધ પક્ષો રોજેરોજ હડતાળ અને આંદોલન કરી રહ્યા હતા. એ લોકો લોકશાહીને ખતમ કરી રહ્યા હતા. વિરોધ પક્ષો ચૂંટણી જીતી શકતા નહોતા તેથી આંદોલનો દ્વારા દેશને અરાજકતા તરફ દોરી રહ્યા હતા. જો મેં (ઈન્દિરા ગાંધીએ) એ સમયે કટોકટી લાદવાનો નિર્ણય લીધો ન હોત તો ભારત સાર્વભૌમ દેશ તરીકે બચી શક્યો ન હોત.

આ તબક્કે એ યાદ રાખવું જરૂરી છે કે, હજુ થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધીએ યુકેની મુલાકાત દરમિયાન એક ઈન્ટર્વ્યુમાં પોતાની દાદી ઈન્દિરા ગાંધીથી તદ્દન વિરુદ્ધ વાત કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ ઈન્ટર્વ્યુમાં રાહુલ ગાંધીએ વિપક્ષો દ્વારા દરેક નાના-મોટા મુદ્દા પર કરવામાં આવતા આંદોલન, બંધ, હડતાળને વાજબી ઠેરવતા એવી દલીલ કરી હતી કે, વર્તમાન સરકારે દેશમાં લોકશાહીનું વાતાવરણ રાખ્યું નથી, તમામ સંસ્થાઓને કબજે કરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સહિત અન્ય કોઈ પક્ષો ચૂંટણી જીતી શકતા નથી અને જો અમારે ચૂંટણી જીતવી હોય તો દેશની સંસ્થાઓને મુક્ત કરાવવી પડશે.

કટોકટીનો એ સમય એ હદે દમનકારી હતો કે મોટાભાગના લોકોએ શાસન અને વહીવટીતંત્ર સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી કેમ કે તમામે તમામ મોટા વિપક્ષી રાજકીય નેતાઓ જેલમાં હતા અને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે પ્રજાને નેતૃત્વ પૂરું પાડી શકવાની સ્થિતિમાં નહોતા. જોકે, એ સમયે પણ કેટલાક સંવેદનશીલ લોકો હતા જે અલગ અલગ રીતે દમનકારી કટોકટીનો વિરોધ કરતા હતા. કટોકટીની ભયાનકતાનો પરિચય કરાવતું એક ગીત તે સમયે કિશોર કુમારે ગાયું હતું જેમાં મહાત્મા ગાંધીને ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધી તેરે દેશમાં યે કૈસા અત્યાચાર, એક ભારત મેં બન ગયે જલિયાવાલે બાગ હજાર…

એ સમયે સમાચાર મેળવવાનું એકમાત્ર સાધન રેડિયો જ હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકોની સવાર આકાશવાણીની લોકપ્રિય ધૂન સાથે શરૂ થતી હતી. એ સમયની જૂની પેઢીના લોકોને આજે પણ બરાબર યાદ છે કે ઈન્દિરા ગાંધીએ વહેલી સવારે જ રેડિયો પર આવીને જાહેરાત કરી હતી કે દેશમાં કટોકટી લાદવામાં આવી છે.

કટોકટી લાદવાના ઠરાવ ઉપર વહેલી સવારે 6.30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને આ નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવ્યો છે એવી છાપ પણ ઊભી કરવામાં આવી હતી. ઐતિહાસિક રીતે એ વાત પણ સૌ જાણે છે કે કટોકટીના ઠરાવ ઉપર તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અમહદે પણ ચૂપચાપ સહી કરી આપી હતી.

આલોક ભટ્ટે ઈમર્જન્સી ફાઇલ્સને ઉજાગર કરતી તેમની થ્રેડમાં કટોકટી સમયના કેટલાક પીડિતોના અનુભવોના વીડિયો પણ મૂક્યા છે. તે પૈકી કર્મશીલ શ્રીલતા સ્વામિનાથન કહે છે, મારી ધરપકડ વહેલી પરોઢે ચાર વાગ્યે કરવામાં આવી હતી. મારી ધરપકડ કરવા દસથી વધુ બંદૂકધારી પોલીસવાળા આવ્યા હતા.

ઈન્દિરા ગાંધીએ એ સમયે રાજકીય વિરોધીઓને લાંબા સમય સુધી જેલમાં નાખી રાખવા માટે મિસા કાયદાનો સહારો લીધો હતો જેના હેઠળ પકડાયેલા લોકોને અદાલતમાં જવાનો કે જામીન માગવાનો અધિકાર હોતો નથી. શ્રીલતા સ્વામિનાથનની ધરપકડ પણ મિસા હેઠળ કરવામાં આવી હતી. કટોકટી દરમિયાન દમનને લગતા અનેક કિસ્સા પત્રકાર કૂમી કપૂરના પુસ્તક ધ ઈમર્જન્સીઃ અ પર્સનલ હિસ્ટ્રીમાં પણ આપવામાં આવ્યા છે.