વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે IFSCA મુખ્યાલયનો શિલાન્યાસઃ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું લોકાર્પણ
July 29, 2022
ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC)ની મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી-IFSCAના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. IFSCA ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત વૈધાનિક નિયમનકાર સંસ્થા તરીકે કાર્ય કરે છે.
IFSCA મુખ્યાલયનો શિલાન્યાસ
અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી આગવી ઓળખને અનુરૂપ એક અભૂતપૂર્વ ઇમારત તરીકે જેની પરિકલ્પના કરવામા આવી છે તે “IFSCA ટાવર”નો બિલ્ટ અપ એરિયા 3,00,000 ચોરસ ફૂટ હશે તેમજ તેમાં વિશ્વસ્તરની આધુનિક સુવિધાઓ સાથે 27 માળનું આ ભવન આકાર લેશે.
ગિફ્ટ સિટીના સ્માર્ટ સિટી કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને, IFSCA ટાવરને અત્યંત કાર્યક્ષમ અને ટકાઉ માળખા સાથે પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના નિર્માણમાં રૂ. 200 કરોડના ખર્ચનો અંદાજ છે. 2024માં નિર્માણ પૂર્ણ થયા બાદ IFSCA ટાવર ગિફ્ટ સિટીમાં એક અદભુત ઈમારત તરીકે ઉભરી આવશે અને આત્મનિર્ભર ભારતના સપના અને આકાંક્ષાઓનું પ્રતિક બનશે.
ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ની શરૂઆત
GIFT-IFSCમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પ્રારંભ કરાયો છે. ભારતને વૈશ્વિક બુલિયનના ભાવમાં પ્રભાવશાળી બનાવવાના વિઝન સાથે તેની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં સોનાના નાણાકીયકરણને વેગ આપવા ઉપરાંત IIBX કાર્યક્ષમ ભાવ સંશોધનની સુવિધા સહિત પ્રમાણીકરણ, ગુણવત્તાની ખાતરી તેમજ સ્રોતના એકીકૃતને સુનિશ્ચિત કરશે.
આ પહેલથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા-ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્ત બનાવશે. એક મુખ્ય ઉપભોક્તા તરીકે વૈશ્વિક સોનાના ભાવને પ્રભાવિત કરવા માટે ભારતને સક્ષમ બનાવવાની દિશામાં આ પહેલ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રકારનું વિશ્વનું આ ત્રીજું એક્સચેન્જ છે, જેમાં ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સની સુવિધા હોવાથી અધિકૃત જ્વેલર્સને એક્સચેન્જ પ્રણાલી દ્વારા સીધું સોનું આયાત કરવાની સુવિધા મળશે. જેના પરિણામે ભારતનું બુલિયન માર્કેટ વધુ સંગઠિત તથા નવી સુવિધાઓથી સજ્જ બનશે.
NSE IFSC – SGX કનેક્ટની શરૂઆત
આ કનેક્ટ હેઠળ, સિંગાપોર એક્સચેન્જના સભ્યો દ્વારા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પર મૂકાયેલા તમામ ઓર્ડર NSE-IFSCના ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ અને મેચ કરવામાં આવશે. GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટમાં લિક્વિડિટીને વધારવા કનેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે સિવાય આંતરરાષ્ટ્રીય સહભાગીઓને આકર્ષીને નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર ઊભી કરવામાં કનેક્ટની ભૂમિકા મહત્વની રહેશે. હાલમાં, SGX ખાતે NIFTY ફ્યુચર્સમાં સરેરાશ દૈનિક વોલ્યુમ આશરે ૩.૬૫ યુએસ બિલિયન ડોલર મૂલ્યના ૧.૦૯ લાખ કોન્ટ્રાક્ટ્સ છે. એકવાર કનેક્ટ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યાં બાદ આ વોલ્યુમ NSE-IFSC પર જવાની અપેક્ષા છે. ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય બ્રોકર-ડીલર્સને મોટી સંખ્યામાં કનેક્ટ થકી ટ્રેડ ડેરિવેટીવ્ઝ મળશે.
વિદેશી નિયમનકારી સત્તાઓ અને સ્પેસ વિભાગ સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર
IFSCA દ્વારા વિદેશની નિયમનકારી સત્તાઓ સાથે એમઓયુ કરવામા આવ્યા હતા. તેમાં ‘મોનીટરી ઓથોરિટી ઓફ સિંગાપોર’, ‘કમિશન ડે સર્વેલન્સ ડુ સેક્ટર ફાયનાન્સીયર-લક્ઝમ્બર્ગ’, ‘કતાર ફાયનાન્સિયલ સેન્ટર ઓથોરિટી’ અને ‘Finansinspektionen-સ્વીડન’નો સમાવેશ થાય છે. આ એમઓયુથી પરસ્પર ભાગીદારી ગાઢ બનશે અને ક્ષમતા નિર્માણ-બેસ્ટ પ્રેક્ટિસનું આદાન-પ્રદાન થઇ શકશે.
ફિનટેક અને સ્પેસટેક વચ્ચેની વ્યાપક સંભાવનાઓ વચ્ચે એક સેતૂ નિર્માણ કરી શકાય તે માટે IFSCA દ્વારા કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યાં હતાં. IFSCA હેઠળ ફિનટેક કંપની તરીકે અધિકૃત થવા સ્પેસટેકના ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓ માટે એક નિયમનકારી માળખું IFSCA દ્વારા બનાવવામા આવ્યું છે. આ એમઓયુ દ્વારા IFSCA સ્પેસટેક એકમોની અરજીઓનું મૂલ્યાંકન કરીને DoSની તકનીકી કુશળતાનો લાભ લઇ શકશે તેમજ આ સંસ્થાઓને તેમના મોડલ્સના પરીક્ષણ માટે DoSના સ્પેસ-સંબંધિત ડેટાસેટ્સની ઍક્સેસની સુવિધા પણ આપશે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલી અન્ય મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ
1. ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB) દ્વારા ઇન્ડિયન રીજનલ ઓફિસ (IRO)ની સ્થાપના
2. ત્રણ વિદેશી બેન્કના બેન્કિંગ યુનિટની શરૂઆત
3. બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન હાઉસ સેન્ટરની ક્ષમતાનું વિસ્તરણ
4. ચાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સ સર્વિસ (ITFS) પ્લેટફોર્મનું સંચાલન
5. GIFT-IFSC ખાતે પાંચ ફિનટેક કંપનીઓને ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ એનાયત
6. GIFT-IFSCમાં ઑપરેશન શરૂ કરવા માટે 100+ બ્રોકર-ડીલર્સ વતી એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઑફ ઈન્ડિયા (ANMI) અને કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (CPAI) દ્વારા સંયુક્ત લેટર ઓફ ઇન્ટેન્ટની સોંપણી
7. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ઇન્ડિયા INX પર બોન્ડનું 75મું લિસ્ટીંગ
8. ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX) ની શરૂઆત
IFSCA દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક સુધારાઓ-નવીન આયામો ભારતને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે એક અગ્રણી નાણાકીય સેવા આપનાર દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. IFSCAના નિયમનકારી સુધારાના અભિગમ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્વિત કરવા બદલ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, લંડનના તાજેતરના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. જેમાં GIFT-IFSCને વૈશ્વિક સ્તરે ટોચના ૧૫ કેન્દ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આગામી બેથી ત્રણ વર્ષમાં વધુ આગળ વધશે તેવી અપેક્ષા છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
