પંજાબમાં આપના આરોગ્યમંત્રીએ અપમાન કર્યા બાદ વાઇસ ચાન્સેલર ડૉ. રાજ બહાદુરે રાજીનામું આપી દીધું

પંજાબમાં આપના આરોગ્યમંત્રીએ અપમાન કર્યા બાદ વાઇસ ચાન્સેલર ડૉ. રાજ બહાદુરે રાજીનામું આપી દીધું

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના આરોગ્યમંત્રી દ્વારા અપમાનિત થયા બાદ બાબા ફરીદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાજ બહાદુરે રાજીનામું આપી દીધું હતું.

પંજાબમાં જે દિવસથી આમ આદમી પાર્ટીની સરકારે સત્તા સંભાળી ત્યારથી સતત વિવાદ અને હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. આવી છેલ્લી ઘટના તાજેતરમાં બની જેમાં આમ આદમી પાર્ટીની સરકારના આરોગ્ય મંત્રી ચેતનસિંહ જૌરમાજરાએ એક હોસ્પિટલની મુલાકાત દરમિયાન બાબા ફરીદ યુનિવર્સિટી એન્ડ હેલ્થ સાયન્સિસના વાઇસ ચાન્સેલર ડૉ. રાજ બહાદુરને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓની હાજરીમાં અપમાનિત કર્યા હતા એટલું જ નહીં પરંતુ દર્દીના પલંગના નુકસાનગ્રસ્ત ગાદલા ઉપર તેમને સૂવા માટે ફરજ પાડી હતી.

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીના ઉદ્ધત મંત્રીએ 72 વર્ષના ડૉ. રાજ બહાદુરને બાવડેથી પકડ્યા હતા અને તેમને ગોવિંદસિંહ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલના સ્કીન અને વીડી વિભાગની અંદર ખેંચી ગયા હતા.

કેજરીવાલના પક્ષના પંજાબના આ મંત્રી આવી ઉદ્ધતાઈ કરી રહ્યા હતા ત્યારે ડૉ. બહાદુર એમને કહી રહ્યા હતા કે હોસ્પિટલના પલંગના ગાદલાં ખરાબ હોય એ એમની જવાબદારીમાં નથી આવતું. તેમ છતાં આમ આદમી પાર્ટીના ઉદ્ધત મંત્રી તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા.

હકીકતે ડૉ. રાજ બહાદુર એક પ્રતિષ્ઠિત સર્જનની સાથે સાથે 45 શિક્ષણ, સંશોધન તેમજ સક્ષમ વહીવટકાર તરીકેનો અનુભવ ધરાવે છે. ઓર્થોપેડિક સર્જરી, ઓર્થોપેડિક શિક્ષણ, કરોડરજ્જુની સર્જરી તેમજ જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. બહાદુર અગાઉ ચંદીગઢમાં સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ડિરેક્ટર અને પ્રિન્સિપલ હતા.

આ ઘટના પછી ડૉ. રાજ બહાદુરે પોતે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી. તે ઉપરાંત ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ આમ આદમી પાર્ટીના આરોગ્ય મંત્રીના વર્તનની આકરી ટીકા કરીને મુખ્યપ્રધાન ભગવંત માન સમક્ષ માગણી કરી હતી કે આરોગ્ય મંત્રી પાસે બિનશરતી માફી મગાવવી જોઇએ.

દેશ ગુજરાત