ગુજરાત કોસ્ટલ પોલીસની સતર્કતાને કારણે પાકિસ્તાની-ઈરાની ડ્રગ માફિયાઓમાં ખોફ; ટેલિફોન સંવાદ વાયરલ

ગુજરાત કોસ્ટલ પોલીસની સતર્કતાને કારણે પાકિસ્તાની-ઈરાની ડ્રગ માફિયાઓમાં ખોફ; ટેલિફોન સંવાદ વાયરલ

ગાંધીનગરઃ નશીલી ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત પાકિસ્તાની, ઈરાની અને અફઘાની ટોળકીઓ હવે તેમના ગેરકાયદે કામો માટે ગુજરાતની દરિયાઈ સીમા તરફ આવવા તૈયાર નથી. આ માટેનું એક મજબૂત કારણ જાણવા મળ્યું છે જેમાં ગુજરાતની કોસ્ટલ પોલીસની નક્કર કામગીરી સાબિત થાય છે.

પાકિસ્તાની અને ઈરાની ડ્રગ માફિયાઓ વચ્ચેનો એક ટેલિફોન સંવાદ વાયરલ થયો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે નશીલા પદાર્થના દાણચોરો ગુજરાત તરફ આવતા ડરે છે. આ સંવાદમાં એક ડ્રગ માફિયા બીજાને એવું કહેતો સંભળાય છે કે, “…લેકિન એક બાત કરની હૈ કી અબ હમારા કોઈ શિપ ગુજરાત કી તરફ જાયેગા નહીં. 280 માઇલ તો ક્યા 400 માઇલ તક કોઈ જાયેગા નહીં. અગર ગયા તો બચને કા કોઈ ચાન્સ નહીં હૈ.”

પાકિસ્તાની, ઈરાની અને અફઘાની ડ્રગ માફિયા થોડા સમય પહેલાં સુધી ભારતના સરહદી વિસ્તારોમાંથી ડ્રગની દાણચોરી કરવા અત્યંત સક્રિય હતા પરંતુ ગુજરાત કોસ્ટલ પોલીસની ધોંસ વધતા આ માફિયા ફફડી ગયા છે અને હવે કમ સે કમ ગુજરાત તરફ આવવા તૈયાર નથી.

મળતી માહિતી અનુસાર ગુજરાત કોસ્ટલ પોલીસ દ્વારા છેલ્લા છ મહિનામાં 422 કેસ કરવામાં આવ્યા છે અને તેના હેઠળ 667 માફિયાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 25,699 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પાંચ હજાર કરોડ હોવાનું કહેવાય છે.

છેલ્લા બે વર્ષમાં જે માફિયા અત્યાર સુધીમાં ઝડપાઈ ગયા છે તેમાં 30 પાકિસ્તાની, 17 ઈરાની, બે અફઘાની તથા એક નાઇજિરિયન ડ્રગ દાણચોરનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું કે, ભારતમાં જે નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવે તેમાંથી મળતા નાણા હવાલા મારફત પાકિસ્તાન પહોંચાડવામાં આવતા હતા અને પાકિસ્તાની દ્વારા એ નાણા આતંકવાદી સંગઠનોને પહોંચાડવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

દેશ ગુજરાત