વડોદરા નજીક સ્થપાનાર આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરવા L&T અને ગુજરાત સરકાર વચ્ચે MoU

વડોદરા નજીક સ્થપાનાર આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરવા L&T અને ગુજરાત સરકાર વચ્ચે MoU

ગાંધીનગરઃ વિશ્વખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે. L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં આ MoU રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T એ કર્યા હતા. ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે. MoU પર L&T વતી સી.ઇ.ઓ અને મેનેજિંગ ડિરેકટર એસ. સુબ્રહ્મમણયને તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ રાજ્ય સરકાર વતી હસ્તાક્ષર કર્યા હતા.

વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦ હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે.

માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે, ઉત્કૃષ્ટ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને રાજ્યમાં ૧ લાખ આઇ.ટી નોકરીઓનું સર્જન કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં ગુજરાત આઇટી/ ITeS નીતિ (ર૦રર-ર૭) જાહેર કરેલી છે. નીતિ અમલી થયાના શરૂઆતના પ્રથમ ૬ મહિનામાં જ ગુજરાત સરકારે ૧૩ અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.

આ MoUs અન્વયે કુલ રૂ. ર૪૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે ૧૩,૭પ૦ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. હવે L&T ની વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક માટે ગુજરાત સરકાર સાથેની સહભાગીતાથી સંસ્કાર નગરી વડોદરા હવે IT/ ITeS ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ નગરી બનશે. R&D ડિઝાઇન કેન્દ્રો સાથે, L&T 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહયોગી રોબોટ્સ, ડિજિટલ ફેકટરી અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં નિપૂણતા ધરાવે છે.

દેશ ગુજરાત