કેજરીવાલે પંજાબની મહિલાઓને પ્રતિ માસ રૂ. 1000 આપવાનું વચન તો આપ્યું પણ જોગવાઈ ન થતાં ફસાયા

કેજરીવાલે પંજાબની મહિલાઓને પ્રતિ માસ રૂ. 1000 આપવાનું વચન તો આપ્યું પણ જોગવાઈ ન થતાં ફસાયા

ચંદીગઢઃ આમ આદમી પાર્ટીએ પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અનેક જાતના મફતનાં વચન આપ્યાં હતાં તેમાં એક હતું 18 વર્ષથી ઉપરની પ્રત્યેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવાનું. જોકે સરકાર બન્યાના પાંચ મહિના પછી એ વચનનું પાલન કરવાનું કોઈ આયોજન ભગવંત માનની આમ આદમી પાર્ટીની સરકાર પાસે હોય એવું દેખાતું નથી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં વારંવાર અહીંની મુલાકાત લઈને મફત વીજળી, તેમજ બેરોજગારોને રૂ. 3000નું ભથ્થું આપવાનાં વચનો કેજરીવાલ દ્વારા આપવામાં આવી રહ્યા છે ત્યારે પંજાબની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે.

મફતના વીજળી – પાણી ઉપરાંત મહિલાઓને મફત મુસાફરી અને મહિલાઓને મહિને 1000 રૂપિયાની સહાય આપવાનું વચન આપનાર આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે હકીકતે આ વર્ષે પંજાબ વિધાનસભામાં તેનું જે પહેલું બજેટ રજૂ કર્યું તેમાં મહિલાઓને સહાય આપવાના વચનના પાલન માટે કોઈ જોગવાઈ જ કરી નથી.

મજાની વાત એ છે કે, કેજરીવાલે દર મહિને 1000 રૂપિયાની ચૂકવણી કરવાનું વચન આપી દીધા પછી ચૂંટણી યોજાય તે પહેલાં જ ડિસેમ્બર 2021માં કેજરીવાલ અને ભગવંત માને પંજાબના જલંધર જિલ્લાના સરાઈ ખાસ ગામે એક કાર્યક્રમનું આયોજન કરીને 18 વર્ષથી ઉપરની મહિલાઓની નોંધણી શરૂ કરી હતી. આવા દેખાવ પૂરતા કાર્યક્રમથી પંજાબમાં અનેક લોકોએ એમ માની લીધું હતું કે, આમ આદમી પાર્ટી તેના વચન બાબતે ગંભીર છે અને તેથી આવી નોંધણી શરૂ કરી હશે.

જોકે, વાસ્તવમાં સરકાર બન્યા પછી જે બજેટ રજૂ કર્યું તેમાં આ વિષયનો કોઈ ઉલ્લેખ જ નહોતો કર્યો એટલું જ નહીં પરંતુ સરકાર બન્યાના પાંચ મહિના વીતી ગયા પછી પણ આ અંગે ભગવંત માન અને કેજરીવાલ સહિત આખી આપ પાર્ટી મૌન સેવી રહી છે

દરમિયાન અહીં એ વાત ખાસ નોંધવી જોઇએ કે, પંજાબમાં મફત વીજળી અને મહિલાઓને 1000 રૂપિયાની સહાય આપવાનાં વચનોને આધારે ચૂંટણી જીત્યા બાદ મુખ્યપ્રધાન ભગવંત માન વડાપ્રધાનને મળવા ગયા હતા અને રૂ. એક લાખ કરોડની સહાય કેન્દ્ર સરકાર પાસે માગી હતી. માને વડાપ્રધાનને મળ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમની સરકાર પાસે નાણા નથી અને પ્રજાને આપેલાં વચનો પૂરાં કરવા કેન્દ્ર પાસે સહાય માગી છે.

આ પછી પત્રકારોએ કેજરીવાલને સવાલ કરતા તેમણે તો એવું નિવેદન કર્યું હતું કે, પંજાબ સરકારે કેન્દ્ર પાસે જે નાણા માગ્યા છે તે કેન્દ્રના નથી પરંતુ રાજ્યોના છે અને રાજ્ય તેના હકના નાણા માગે છે.

ટૂંકમાં પંજાબની વાસ્તવિક નાણાકીય સ્થિતિની જાણકારી વિના જ કેજરીવાલે મફતની યોજનાઓ તેમજ મહિલાઓને સહાયની જાહેરાતો કરી દીધી હતી પરંતુ સરકાર બનાવ્યા પછી ખ્યાલ આવતાં આર્થિક સહાય મેળવવા માટે કેન્દ્ર સરકાર પાસે પહોંચી ગયા હતા.

દેશ ગુજરાત