ગોધરા અને પોરબંદર ખાતે નવી મેડીકલ કૉલેજને મંજૂરી
August 03, 2022
ગાંધીનગરઃ ગોધરા અને પોરબંદર ખાતે નવી મેડિકલ કૉલેજને મંજૂરી મળી છે અને આ માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.૨૯મી જુલાઈ, ૨૦૨૨ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યા છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળવાથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ બંને કોલેજો ખાતે ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ ૩૧ મેડિકલ કોલેજો મળીને ૫૭૦૦ સીટ છે. ગોધરા અને પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની ૩૩ મેડિકલ કોલેજમાં બેઠકોની કુલ સંખ્યા ૫૯૦૦ થશે. બંને મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કાઉન્સિલની પરવાનગી મળી છે તે કુલ રૂ. ૬૬૦ કરોડના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા હિસ્સો છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડિકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડિકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડિકલ કોલેજોમાં લેબોરેટરી, લાઈબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડિકલ સ્ટાફની સગવડ મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
