પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની દાદાગીરી, ટોલબૂથનું બેરીકેડ તોડી નાખ્યું

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની દાદાગીરી, ટોલબૂથનું બેરીકેડ તોડી નાખ્યું

હોશિયારપુરઃ પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોની દાદાગીરીના એક પછી એક કિસ્સા ઉજાગર થઈ રહ્યા છે. હવે આપ પાર્ટીના એક ધારાસભ્ય કર્મવીર ઘુમ્મનની બેફામ દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પંજાબની દસૂહા બેઠકના આપ-ના ધારાસભ્ય ઘુમ્મન શનિવારે સાંજે હોશિયારપુરના ચૌલાંગ ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા હતા. સત્તાના મદમાં પોતાનું આમ આદમીપણું ભૂલેલા આ ધારાસભ્ય તેમના કાફલા સાથે વીઆઈપી લેનમાંથી પસાર થવા માગતા હતા. જોકે શનિવારે સાંજે ભારે ટ્રાફિક હોવાને કારણે ટોલપ્લાઝાના કર્મચારીઓને વીઆઈપી ગેટ ખોલવામાં થોડી વાર લાગી ગઈ. પરિણામે આપ-પાર્ટીના કર્મવીર ઘુમ્મનને ગુસ્સો આવી ગયો હતો અને તેમણે પોતાના અંગરક્ષકોને આદેશ આપીને ટોલબૂથનું બેરિકેડ તોડાવી નાખ્યું હતું.

ઘુમ્મન આટલેથી અટક્યા નહોતા પરંતુ પોતાના પક્ષની સરકાર હોવાના મદમાં ચૂર આ ધારાસભ્યે ટોલપ્લાઝાના સ્ટાફને પણ બેફામ બોલીને અપમાનિત કર્યા હતા. ઘુમ્મનની દાદાગીરીનો આ સમગ્ર ઘટનાક્રમ ટોલપ્લાઝાના સીસીટીવ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આ ઘટના અંગે ટોલપ્લાઝાના મેનેજર મુબારક અલી અને હરવિંદર પાલ સોનુએ પત્રકારોને જણાવ્યું કે, ટ્રાફિસ વ્યસ્તતાને કારણે વીઆઈપી ગેટ ખોલવામાં થોડી સેકન્ડની જ વાર લાગી હતી, પરંતુ એટલામાં આપ-ના ધારાસભ્ય કર્મવીર ઘુમ્મને ગુસ્સે થઈને બેફામ બોલવાનું ચાલુ કરી દીધું હતું અને પોતાના અંગરક્ષક પાસે બેરીકેડ તોડાવી નાખ્યું હતું. અમે આ અંગે હાઇવે ઑથોરિટીને જાણકારી આપી છે અને આગળની કાર્યવાહી ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.

યાદ રહે, હજુ ગયા અઠવાડિયે જ પંજાબની ભગવંત માનની આમ આદમી પાર્ટી સરકારના આરોગ્યમંત્રીએ એક હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલના વડા અને ઈન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સેલર સાથે બેફામ વર્તન કરીને તેમને સ્ટાફ અને અધિકારીઓની હાજરીમાં હોસ્પિટલના ખરાબ બેડ ઉપર સૂવા માટે મજબૂર કર્યા હતા. એ ઘટનાથી વ્યથિત થયેલા બાબા ફરીદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાજ બહાદુરે રાજીનામું આપી દીધું હતું.

 

દેશ ગુજરાત