નીતિશકુમારે લાલુના પક્ષ સાથે હાથ મિલાવ્યા એ દિવસે બિહારમાં 3 હત્યા, લૂંટની ઘટનાઓ; જંગલરાજ પરત

નીતિશકુમારે લાલુના પક્ષ સાથે હાથ મિલાવ્યા એ દિવસે બિહારમાં 3 હત્યા, લૂંટની ઘટનાઓ; જંગલરાજ પરત

પટણાઃ બિહારમાં નીતિશકુમારે જે દિવસે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ યાદવના રાજદ સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું તે દિવસથી જંગલરાજના જૂના દિવસો પરત આવી ગયા છે. સત્તા પરિવર્તનના 24 કલાક કરતાં ઓછા સમયમાં બિહારમાં ત્રણ હત્યા અને લૂંટના બનાવો બની ગયા છે. માત્રને માત્ર ભાજપ સાથેના જોડાણ દરમિયાન સુશાસન-બાબુ તરીકે મીડિયામાં ચગેલા નીતિશકુમાર માટે હવે ગુંડારાજને કાબુમાં રાખવાનું કેટલું મુશ્કેલ બની રહ્યું છે એ નવેસરથી મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાના 24 કલાક કરતાં ઓછા સમયમાં જોવા મળ્યું છે.

નીતિશકુમારે મંગળવારે ભાજપ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યું હતું. ત્યારપછીના થોડા જ કલાકમાં બિહારના ગોપાલગંજમાં ગોકુલ યાદવ નામના એક પત્રકારની પાંચ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગોકુલ યાદવ સ્થળ પર મૃત્યુ પામ્યા હતા.

હજુ એ ઘટના વિશે લોકોને જાણ થાય અને કશું સમજે તે પહેલાં રાજ્યના બેત્તિઆહ વિસ્તારમાં ગુંડાઓએ રામ જાનકી મંદિરના પૂજારી રુદલ સહાની હત્યા કરી દીધી હતી. આ ઘટનાની અત્યંત ઘૃણાસ્પદ બાબત તો એ છે કે હત્યારાઓ પૂજારીના મસ્તકને ધડથી અલગ કરીને પિપરા કાલી મંદિર લઈ ગયા હતા.

આ બંને ઘટના વિશે પોલીસ કોઈ પગલાં લે તે પહેલાં તો રાજધાની પટણામાં જ લૂંટારા ત્રાટક્યા હતા. પટણામાં બુદ્ધ ટોયોટા શોરૂમ ઉપર પાછળના દરવાજેથી ત્રાટકેલા 12 લૂંટારાઓએ શોરૂમના સલામતી રક્ષકની તો હત્યા કરી જ દીધી હતી અને ત્યારબાદ શોરૂમની રોકડ રકમ અને નવ લૅપટૉપ લઈને નાસી છૂટ્યા હતા.

દેશ ગુજરાત